Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

અમારું નામ ડાઉટફુલ વોટર્સ લિસ્ટમાં શા માટે ? : આસામમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીઓ પહેલા 26 મુસ્લિમ મહિલાઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : નામદાર કોર્ટએ કેન્દ્ર સરકાર ,રાજ્ય સરકાર તથા ચૂંટણી પંચને 4 સપ્તાહમાં જવાબ દેવાનો આદેશ કર્યો


ગૌહાટી : આસામમાં યોજાનારી 2021 ની સાલની ધારાસભાની ચૂંટણીઓ પહેલા 26 મુસ્લિમ મહિલાઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તેઓએ  કરેલી પિટિશનમાં જણાવ્યું છે કે તેમના નામો ડાઉટફુલ વોટર્સ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે.તેમાંથી દૂર થવા જોઈએ.જેના આધારે નામદાર કોર્ટએ કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર અને ઇસીનો જવાબ માંગ્યો છે .

અરજી દાખલ કરનારી આ તમામ મહિલાઓ બરપેટા જિલ્લાની રહેવાસી છે. આ મહિલાઓ કહે છે કે તેમના નામ કોઈ પણ  કારણ વગર આ શંકાસ્પદ સૂચિમાં મૂકવામાં આવ્યા છે. આથી મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ચૂંટણી પંચ, કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે મહિલાઓની અરજી પર જવાબ માંગ્યા છે. તમામ પક્ષોને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું છે.

અરજી કરનાર મહિલાઓમાં તહમીના ખાતુન  તથા અન્ય 25 મહિલાઓના નામ શામેલ છે. આ મહિલાઓએ  સુપ્રીમ કોર્ટમાં  કરેલી અરજીમાં જણાવ્યું છે કે બંધારણમાં એવો કોઈ નિયમ નથી, જેમાં મતદાતાને શંકાસ્પદ મતદાર તરીકે રાખવા જોઈએ. આવી સ્થિતિમાં, તેઓના નામ  આ સૂચિમાંથી દૂર કરવા જોઈએ. કારણ કે તેની અસર તેમની ભારતીય નાગરિકતા પર પડી રહી છે. આ સિવાય તેમના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. મહિલાઓની અરજીના આધારે સુપ્રીમ કોર્ટે હવે આ મામલાને ગંભીર ગણ્યો  છે અને આ સંદર્ભે ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સમન્સ પાઠવ્યું છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(2:18 pm IST)