Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવા તૈયારી

૮.૫ રૂપિયા સસ્તુ થઇ શકે છે પેટ્રોલ -ડીઝલ

નવી દિલ્હી,તા. ૪: મોદી સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર ૮.૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી એકસાઇઝ ડયુટી ઘટાડો કરવાની ગુંજાઇશ છે તેમ વિશ્લેષકોનું માનવું છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ ઇંધણોથી મળનારી આવકના લક્ષ્ય પર અસર નાખ્યા વગર એકસાઇઝ ડયુટીમાં આટલો ઘટાડો કરી શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવ હાલમાં વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા નવ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. વિપક્ષો અને સમાજના કેટલાક વર્ગો પેટ્રોલ અને ડીઝલના ભાવ દ્યટાડવાની માગ કરી રહ્યાં છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પેટ્રોલ અને ડીઝલની એકસાઇઝ ડયુટીમાં જો કોઇ ઘટાડો કરવામાં આવતો નથી તે ૪.૩૫ લાખ કરોડ રૂપિયાએ પહોંચી જશે. જયારે બજેટમાં ૩.૨ લાખ કરોડ રૂપિયાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલ પરના ટેકસમાં જો રૂ. ૮.૫ ઘટાડવામાં આવે તો પણ રૂ. ૩.૨ લાખ કરોડ થઇ જશે

આ હિસાબ પ્રમાણે જો એક એપ્રિલ, ૨૦૨૧ અથવા તે અગાઉ એકસાઇઝ ડયુટીમાં ૮.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો પણ આગામી નાણાકીય વર્ષના બજેટ અંદાજને હાંસલ કરી લેવાશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૧.૧૭ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮.૧૪૭ રૂપિયા છે. આ ભાવમાં ૬૦ ટકા કેન્દ્રની એકસાઇઝ ડયુટી અને રાજયના વેટનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે નવેમ્બર, ૨૦૧૪થી લઇને જાન્યુઆરી, ૨૦૧૬ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની એકસાઇઝ ડયુટીમાં ૯ વખત વધારો કર્યો હતો.

(11:11 am IST)