Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

નાણા મંત્રાલયના આદેશની અવગણના કરી વેટ એસેસમેન્ટના કેસ રીઓપન

૩ હજારથી વધુ વેપારીઓને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા અલ્ટિમેટમ : વેટ પોર્ટલ પર કેસ બંધ કરવાના મેસેજ બાદ અચાનક કેસ ખોલાતા કચવાટ

સુરત,તા.૪: ૧૦ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનારાઓના કેસ ૩૧ ડિસેમ્બર સુધીમાં એસેસમેન્ટ કરીને પૂર્ણ કરી દેવાનો આદેશ રાજયના નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો. તેના કારણે તમામ કેસ ૩૧ ડિસેમ્બર સુધીમાં પુરા કરી દેવામાં આવ્યા હતા. જયારે માર્ચ મહિનાની શરુઆતમાં જ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૩ હજાર વેપારીઓના કેસ ફરીથી રીઓપન કરીને નોટીસ ફટકારવામાં આવતા કચવાટ પેદા થયો છે.

૧ જુલાઇ ૨૦૧૭થી જીએસટી લાગુ કરવામાં આવ્યુ છે. તેની પહેલા રહેલા વેટ અને તેને લગતા કૈસ ઝડપથી પુરા કરવા માટેનો આદેશ કરાયો છે. તેમાં પણ રાજય સરકારના નાંણા મંત્રાલય દ્વારા ૧૦ કરોડથી ઓછ ટન ઓવર ધરાવતા તમામ કેસ ૩૧ ડિસેમ્બર સુધીમાં એસેસમેન્ટ કરીને પુર્ણ કરી દેવાનો આદેશ કરાયો હતો. જેથી અધિકારીઓએ રાજય સરકારના આદેશને પગલે ૧૦ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનારા વેપારીના કેસ પુર્ણ કરી દીધા હતા. તેમજ વેટના પોર્ટલ પર પણ કેસ બંધ કરી દેવામાં આવ્યો હોવાનો મેસેજ વેપારીઓને આવી ગયો હતો. જેથી વેપારીઓને કેસ રીઓપન થવાની શકયતા નહીં દેખાતા હાશકારો અનુભવાયો હતો.

જોકે, મારે મહિનો શરૂ થતાની સાથે જ વેટ વિભાગ દ્વારા ૧૦ કરોડથી ઓછુ ટર્ન ધરાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૩ હજાર વેપારીઓના કેસ રીઓપન કરીને જવાબ રજુ કરવા માટેનુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેના કારણે વેપારીઓની સાથે સાથે ટેકસ કન્સલ્ટન્ટોમાં કચવાટ પેદા થયો છે. કારણ કે એક તરફ રાજય સરકારના જ નાણા મંત્રાલય દ્વારા કેસ બંધ કરી દેવાની જાહેરાત કરી હોવા છતાં અચાનક કોઇ પણ જાતના કારણ વિના નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. (૨૨.૫)

નોટિસમાં કયા કારણોસર કેસ રીઓપન કરાયા તેનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નહીં

વેપારીઓને નોટિસ ફટકારીને જવાબ રજુ કરવા માટે અલ્ટીમેટમ તો આપવામાં આવ્યુ છે પરતુ નોટીસમાં કયા કારણોસર કેસ રીઓપન કરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નથી. જયારે આ અંગે વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટ દ્વારા કારણો પુછવામાં આવે તો તેનો પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. આ કારણોસર આગામી દિવસોમાં ભડકો થવાની પણ શકયતા રહેલી છે.

પરેશાની વધવાને કારણે ટેકસ બાર એસોસિયેશન રાજય સરકારમાં લેખિતમાં રજૂઆત કરથે

વેટના કેસ બધ કરવાની જાહેરાત કર્યા પછી અચાનક કેસ ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવતા આગામી દિવસોમાં સુરત ટેકસ બાર એસોસિયેશન દ્વારા આ અંગે રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરવાના હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે ત્રણ મહિના પહેલા બંધ કરાયેલા કેસને ફરીથી ખોલવા માટે યોગ્ય કારણ પણ નહીં આપતા વેપારીઓની પરેશાની વધી છે.

(10:02 am IST)