Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્ર્ફ વહીલચેરમાં દયનિય સ્થિતિમાં::પાકિસ્તાની લોકોએ ગુસ્સો ઠાલવ્યો

મુશર્રફ પાકિસ્તાનના હીરો નહીં, પરંતુ તેમણે અમેરિકાના હાથમાં દેશને વેચી દીધો

નવી દિલ્હી : પાકિસ્તાનના  પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ની તાજેતરની એક તસવીર સામે આવી છે, જેમાં તેમની હાલત ઘણી દયનીય જોવા મળી રહી છે. તેઓ વ્હિલચેર પર બેઠેલા જોવા મળ્યા છે અને ઘણા કમજોર લાગી રહ્યા છે. ફોટો શેર કરતા ઑલ પાકિસ્તાન મુસ્લિમ લીગે મુશર્રફને જલદીથી સારા થવાની દુઆ આપી છે, પરંતુ ટ્વિટર પર પાકિસ્તાનના લોકો તેમના પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મુશર્રફ પાકિસ્તાનના હીરો નહીં, પરંતુ તેમણે અમેરિકાના હાથમાં દેશને વેચી દીધો અને આજે તેઓ એજ લણી રહ્યા છે જે તેમણે વાવ્યું હતુ.

APMLએ મુશર્રફની તસવીર શેર કરી હતી અને લખ્યું હતુ કે, 'અમે તમને બધાને અપીલ કરીએ છીએ કે મુશર્રફના સ્વાસ્થ્ય માટે દુઆ કરો.'

હવે આ ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ મુશર્રફ સરકારમાં મંત્રી રહેલા અને હવે દેશના વિજ્ઞાન મંત્રી ચૌધરી ફવાદ હુસૈને પણ મુશર્રફની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે, 'તમારા માટે સારા સ્વાસ્થ્યની કામના રાષ્ટ્રપતિજી. તમને હસતા જોઇને સારું લાગ્યું. તમે તમારી સમગ્ર જિંદગી પાકિસ્તાન માટે લડાઈ લડી છે. તમારા માટે પ્રાર્થના અને શુભકામનાઓ.'

જો કે પાકિસ્તાનના અનેક લોકો આ વાતથી કોઈ સંબંધ નથી રાખતા. ટ્વિટર પર એક યૂઝરે લખ્યું કે, ' પાકિસ્તાન માટે લડ્યા? વિદેશી ફૉર્સને બૉમ્બ ફેંકવા અને મહિલાઓ સહિત નાગરિકોનું અપહરણ કરવા માટે આમંત્રિત કરીને? કયો સૈનિક વિદેશી તાકાતોને પોતાના નાગરિકો સાથે આવું કરવા માટે પોતાની જમીન પર બોલાવી શકે છે? ફક્ત એક તાનાશાહ આવું કરી શકે છે.' કોઈએ લખ્યું કે, મુશર્રફે પાકિસ્તાનના ચીફ જસ્ટિસને ટૉર્ચર કરવા માટે ગુંડા મોકલ્યા હતા. તો કોઈએ યાદ અપાવ્યું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાને ખુદ આરોપ લગાવ્યો હતો કે મુશર્રફે મુતાહિદા કોમી આંદોલન સાથે મળીને કરાચીમાં 48 લોકોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતુ.

તો લોકોએ મુશર્રફ પર 'પાકિસ્તાનને અમેરિકાના હાથે ડૉલરમાં વેચવા'નો આરોપ પણ લગાવ્યો. આ દરમિયાન અનેક લોકોએ મુશર્રફને દેશના હીરો ગણાવ્યા છે અને તેમની સાથે આવા વર્તનની ટીકા કરી છે. તો અનેક લોકોનું કહેવું છે કે વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય સામે હારી રહેલા માણસને આ રીતે નિસાન ના બનાવવો જોઇએ. એક યૂઝરે લખ્યું કે, આવો સમય કોઈ પણ સામે આવી શકે છે અને આ હદે કોઈની પણ સાથે નફરત ના રાખવી જોઇએ.

(1:01 am IST)