Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રેડિયો શોમાં મોદીના માતા માટે એક વક્તાએ અપશબ્દો કહ્યા

બીબીસી એશિયન નેટવર્કના ડિબેટ રેડિયો શોમાં વિવાદ : વીડિયો ટ્વિટર પર શેર કરાયો અને મોટી સંખ્યામાં લોકો ટિપ્પણી કરી રહ્યા છે અને તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે

લંડન, તા. ૩ : યુકેમાં બીબીસી એશિયન નેટવર્કના 'બિગ ડિબેટ' રેડિયો શો દરમિયાન એક વક્તાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા માટે અપશબ્દો કહ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે. બ્રિટનમાં વસતા શીખો અને ભારતના લોકો પ્રત્યે વંશીય ભેદભાવ અંગેની ડિબેટમાં આખી ચર્ચા ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન તરફ વળી ગઈ. શો દરમિયાન એક કોલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા માટે અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ ઘટનાનો વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ટિપ્પણી કરી રહ્યા છે અને તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો પ્રેઝેન્ટેટર અને આ બીબીસી રેડિયો શોના સંગઠન બંનેની આકરી ટીકા કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે બીબીસીએ આ વાંધાજનક કોમેન્ટને ઓન એર જવા દીધી.

કિરણ બલહિયાએ કહ્યું કે શું બીબીસી લોકોને કાર્યક્રમમાં જોડાતા પહેલા તેમની તપાસ નહીં કરવા બદલ માફી માંગશે? આ પ્રકારની ભાષા કોઈ સમ્માનિત સંસ્થા માટે નથી બની. નંદિનીએ એવું લખ્યું હતું કે બીબીસી અહીંયો કોને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે અને બીબીસીએ આ અપમાનજનક ભાષા અને પીએમ મોદીના માતાને અપશબ્દો કહેવા માટે જવાબ આપવો જોઈએ.

અમન દુબેએ લખ્યું, આ ખૂબ જ શરમજનક કૃત્ય છે. બીબીસી રેડિયો શોમાં પીએમ મોદીના માતાને અપશબ્દો કહેવામાં આવ્યા છે. આ ઓડિયો વાયરલ થયા બાદ ટ્વિટર પર બોયકોટ બીબીસી ટોપ ટ્રેન્ડ પર પહોંચી ગયું છે. ભારતની સાથે સાથે ચીનમાં પણ મોટી સંખ્યામાં લોકો બીબીસી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. બીબીસીએ હજી સુધી આ સમગ્ર ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

(12:00 am IST)