Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બે સપ્તાહમાં પેટ્રોલમાં ૧.૫૦ પૈસા, જ્યારે ડીઝલમાં બે રૂપિયા વધ્યા

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે

નવી દિલ્હી તા.૪ : વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. જિયો પોલિટિકલ ટેન્શનના પગલે બ્રેન્ટ ક્રૂડે ૬૮ ડોલર પ્રતિ બેરલની સપાટીને પાર કર્યું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ઊંચા ભાવના પગલે ઊંચી આયાત પડતરના પગલે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે.

શહેરમાં છેલ્લાં બે સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે ૧.૫૭ પૈસાનો વધારો નોંધાયો છે, જયારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨.૦૪ પૈસાનો વધારો જોવાયો છે. આજે પેટ્રોલના ભાવ રૂ. ૬૯.૩૪, જયારે ડીઝલના ભાવમાં ૬૪.૦૪ની સપાટીએ જોવાયા હતા.

ઇરાનમાં વધતા વિરોધ પ્રદર્શનના પગલે ક્રૂડના સપ્લાય ઉપર અસર થઇ શકે તેવી ચિંતાએ ક્રૂડના ભાવમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. બ્રેન્ટ ક્રૂડ ૬૮ ડોલરની સપાટીને પાર, જયારે નાયમેકસ ક્રૂડ ૬૨ ડોલર પ્રતિ બેરલની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું હતું.

એટલું જ નહીં લીબિયામાં પણ પાઇપલાઇનમાં અગાઉ ભંગાણ પડતાં વૈશ્વિક ક્રૂડની સપ્લાય ઉપર અસર નોંધાઇ હતી. ઓઇલ ડીલર્સ એસોસીએેશનના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ક્રૂડના ભાવમાં તેજીની ચાલની અસરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો જોવા મળ્યો છે.

(4:36 pm IST)