Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

જીજ્ઞેશ મેવાણી - ઉમર ખાલિદ સામે હિંસા ભડકાવવાનો કેસ નોંધાયોઃ મુંબઇમાં કાર્યક્રમ યોજવા ઉપર પ્રતિબંધ

પૂણેમાં કલમ ૧૫૩ એ, ૫૦૫ અને ૧૧૭ હેઠળ કેસ નોંધાયોઃ મુંબઇના ભાયદાસ હોલનો કાર્યક્રમ યોજવા મનાઇ

મુંબઇ તા. ૪ : ભુમા - કોરેગાંવની હિંસા બાદ મામલો સતત ગરમાયો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતથી લઈને રાજધાની દિલ્હી સુધી તેની ગુંજ સંભળાઈ છે. આ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસે આ મામલે ગુજરાતના દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેએનયુનો વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે. બંને પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે. પૂણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા ૧૫૩-એ, ૫૦૫ અને ૧૧૭ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ વચ્ચે પોલીસે મુંબઈમાં યોજાનાર જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદનો કાર્યક્રમને પણ અનુમતિ આપવાનો ઈન્કાર કર્યો છે. મુંબઈ પોલીસે આ માટે કાયદા-વ્યવસ્થાના બગડશે તેવું કારણ જણાવ્યું છે. પોલીસે આ કાર્યવાહી બાદ જિગ્નેશના સમર્થકોએ પ્રદર્શન અને નારાબાજી કર્યા હતા. આ દરમિયાન પોલીસે અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.

ભીમા-કોરેગાંવની લડાઈની વરસી પર ભડકેલી હિંસાની અસર સમગ્ર મહારાષ્ટ્ર પર પડી છે. બુધવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં અનેક સંગઠનોએ રાજય બંધ બોલાવ્યુંે હતું. જે દરમિયાન મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં હિંસા ભડકી હતી. મુંબઈ પોલીસે કુલ ૨૫ લોકો પર એફઆઈઆર દાખલ કરી છે. આ ઉપરાંત કુલ ૩૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. મહારાષ્ટ્ર બંધ દરમિયાન બુધવારે થયેલી હિંસા બાદ મુંબઈ પોલીસે દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદના કાર્યક્રમમાં આયોજનની પરમિશન નથી આપી. આ બંને નેતા વકતા તરીકે છાત્ર ભારતીના કાર્યક્રમમા સામેલ થવા જઈ રહ્યા હતા. છાત્ર ભારતીના ઉપાધ્યક્ષ સાગર ભાલેરાવે તેમને આ વાતની જાણકારી આપી હતી.

(4:08 pm IST)