Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

૨૦૦ની નોટ માટે બેંકો ATMમાં ફેરફાર કરે

બેંકોને ૧૦૦૦ કરોડનો કરવો પડશે ખર્ચ

મુંબઇ તા.૪: RBIએ બેન્કોને તેમના ATM રિકેલિબ્રેટ કરવા આદેશ આપ્યો છે જેથી તેમાં રૂ.૨૦૦ની નોટ ભરી શકાય. નીચા મૂલ્યની નોટનો પુરવઠો વધારવા માટે ૨૦૦ની વધારે નોટ ચલણમાં આવશે તેમ બે સૂત્રોએ જણાવ્યું હતું.

આરબીઆઇના આદેશનું પાલન કરવામાં બેન્કિંગ ઉદ્યોગને એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવે તેવી શકયતા છે બેડ લોનના કારણે બેન્કોની સ્થિતિ પહેલેથી ખરાબ છે ત્યારે તેમણે ATMને રિકેલિબ્રેટ કરવા વધારે ખર્ચ કરવો પડશે.

એક બેન્કરે કહ્યું કે આરબીઆઇએ બેન્કો અને ATM ઉત્પાદક કંપનીઓને જણાવ્યું છે કે શકય એટલી વહેલી તકે ATMમાંથી રૂ.૨૦૦ની નોટ મળવી જોઇએ. બજારમાં ૨૦૦૦ની નોટ સામે નાની નોટની પણ જરૂર હોવાથી આ ઉપયોગી પગલું છે. આ પ્રોજેકટને સંપૂર્ણ લાગુ કરવામાં પાંચથી છ મહિના લાગી શકે છે.

આ અંગે આરબીઆઇનો પ્રતિભાવ જાણવા માટે મોકલવામાં આવેલા મેઇનનો જવાબ મળ્યો ન હતો. ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટ બંધ કરી ત્યારે તેનો હેતુ કાળાં નાણાંની સંગ્રહખોરી ખતમ કરવાનો હતો પરંતુ રૂ.૨૦૦૦ની નોટ બહાર પાડીને નોટબંધીનો આંખો હેતુ જ માર્યો ગયો હતો. તેના કારણે આરબીઆઇની ભારે ટીકા થઇ હતી.

ગયા વર્ષથી એટીએમમાં રૂ.૨૦૦૦ની નોટ ભરવામાં આવી તેના કારણે સરેરાશ ઉપાડની રકમ વધી જતી હતી. તેમાં ઘટાડો કરવા માટે આરબીઆઇ રૂ.૨૦૦ની નોટનો ઉપયોગ કરશે. ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર ૨૦૧૬માં એટીએમમાંથી રૂ.૨.૨૨ લાખ કરોડનો ઉપાડ થયો હતો જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૭માં રૂ.૨.૪૪ લાખ કરોડ એટીએમમાંથી ઉપાડવામાં આવ્યા હતા.

મોદી સરકારે મોટી નોટ્સ ચલણમાંથી પરત ખેંચી લીધી તેના કારણે બજારમાં નોટ્સની અછત હતી પરંત હવે નોટબંધી અગાઉના સ્તરથી ૯૫ ટકા સુધી કરન્સી બજારમાં પરત આવી ગઇ છે.

તેનું મૂલ્ય રૂ.૧૭ લાખ કરોડ થાય છે. બેન્કો શરૂઆતમાં એટીએમમાં ફેરફાર કરતાં ખચકાતી હતી પરંતુ હવે તેમણે રૂ.૧,૦૦૦ કરોડનો ખર્ચ કરીને એટીએમ રૂ.૨૦૦ની નોટ માટે તૈયાર કરવા પડશે. આ પ્રક્રિયામાં દેશમાં ૨.૨ લાખ એટીએમને રિકેલિબ્રેટ કરવા પડશે જેમાં છ મહિના જેટલો સમય લાગશે. એટીએમ ઉદ્યોગના અગ્રણી લોની એન્ટનીએ જણાવ્યું કે રિકેલિબ્રેશનનું કામ હજુ શરૂ જ થયું છે. હિટાચી પેમેન્ટ સર્વિસિસના એમડી એન્ટનીએ જણાવ્યું કે અમારે એટીએમના કેટલાક સમૂહ શોધીને તેને કેલિબ્રેટ કરવા પડશે. આ કામ ઝડપથી કરવાનું હશે તો તેમાં ખર્ચ પણ વધારે આવશે. રિકેલિબ્રેશન પ્રક્રિયામાં સ્પેસર્સ ઇન્સ્ટોલ કરવાના રહેશે.

જેથી કરન્સીની સાઇઝ એડ્જસ્ટ કરી શકાય એક અંદાજ પ્રમાણે રિકેલિબ્રેશન કરવામાં દરેક એટીએમ દીઠ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ આવશે. ગયા વર્ષે જુલાઇમાં આરબીઆઇએ રૂ.૨૦૦૦ની ચલણી નોટ છાપવાનું બંધ કરીને રૂ.૨૦૦ના છાપકામ પર ધ્યાન આપ્યું હતું.

(4:35 pm IST)