Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

૮૦(સી) હેઠળ રોકાણની ટોચમર્યાદા ૨ લાખ કરાશે?

બજેટમાં જાહેરાત થવાની સંભાવનાઃ હાલ લિમિટ ૧.૫૦ લાખ છે

નવી દિલ્હી તા. ૪ : કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી ૨૦૧૮ના અંદાજપત્રમાં આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળ રોકાણની ટોચમર્યાદા રૂપિયા પચાસ હજાર વધારીને રૂપિયા બે લાખ કરે એવી આશા રખાય છે.

 

બેન્કની પાંચ વર્ષની બાંધી મુદતની થાપણ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કર્મચારીઓની ભવિષ્ય નિધિ, જીવન વીમાના પ્રીમિયમ, પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી), બે બાળકના શિક્ષણની ફી અને ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત વિવિધ જગ્યાએ કરાતા રોકાણને આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળ બાદ અપાય છે. હાલમાં તેની ટોચમર્યાદા રૂપિયા દોઢ લાખ છે અને તે વધારીને આગામી વર્ષે રૂપિયા બે લાખ કરવાની આશા રાખવામાં આવે છે. કરદાતાઓ સોના જેવી ચીજોમાં ઓછું રોકાણ કરે અને તેને બદલે બેન્કો, વીમા, પોસ્ટ ઓફિસ જેવી જગ્યાએ વધુ રોકાણ કરે તે હેતુસર સરકાર ૮૦ (સી) હેઠળની રોકાણની ટોચમર્યાદા વધારવા માગતી હોવાનું કહેવાય છે.

જો તમારી વાર્ષિક આવક રૂપિયા ૧૦,૦૦,૦૦૦ હોય તો તેમાંથી ૮૦ (સી) હેઠળ કરાયેલું રોકાણ બાદ કરીને બાકી રહેતી રકમ પર આવકવેરાની ગણતરી કરાય છે.

અરુણ જેટલીએ ૨૦૧૪-૨૦૧૫માં રજૂ કરેલા પોતાના પ્રથમ અંદાજપત્રમાં આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળના રોકાણની ટોચમર્યાદા રૂપિયા પચાસ હજાર વધારીને રૂપિયા દોઢ લાખ કરી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન સાથે અંદાજપત્રની પહેલાંની બેઠકમાં બેન્ક અને નાણાકીય સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓએ રોકાણ વધારવા આવકવેરાની કલમ ૮૦ (સી) હેઠળની ટોચમર્યાદા વધારવાની ભલામણ કરી હતી.

ભારતમાં ૨૦૧૫-૨૦૧૬માં કુલ સ્થાનિક બચત ૩૩.૩ ટકા હતી, જયારે તે વર્ષે ઘરેલુ બચત (હાલના બજાર ભાવ મુજબ) કુલ સ્થાનિક ઉત્પાદનના ૧૯.૨ ટકા હતી.(૨૧.૮)

(9:42 am IST)