Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

આનંદોઃ નવા વર્ષમાં મોટી રાહતઃ ગેસ સિલિન્ડરનાં ભાવમાં ઘટાડો

સરકારે ૧૪.૨ કિલોવાળા બિન રાહતમય સિલિન્ડરની કિંમત રૂ. ૮૨૨.૫૦થી ઘટાડી રૂ. ૮૧૮.૦૦ કરીઃ ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત પણ રૂ. ૧૪૫૭થી ઘટી રૂ. ૧૪૫૧ સુધી કરી દેવામાં આવી

નવી દિલ્હી તા. ૪ : નવા વર્ષ પર તેલની કંપનીઓ તરફથી રસોઇનાં ગેસનો ઉપયોગ કરનાર ગ્રાહકોને માટે રાહતનાં સમાચાર આવ્યાં છે. રસોઇ ગેસનાં સિલિન્ડરની કિંમતોમાં સાડા ચાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૧લી જાન્યુઆરીથી આ નવા ભાવ લાગુ થઇ ગયાં છે.

સરકારે ૧૪.૨ કિલોવાળા બિન રાહતમય સિલેન્ડરની કિંમત રૂ.૮૨૨.૫૦થી ઘટાડી રૂ.૮૧૮.૦૦ કરી દીધી છે. આ પ્રકારે ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરની કિંમત પણ રૂ.૧૪૫૧થી ઘટી રૂ.૧૪૫૭ સુધી કરી દેવામાં આવી છે. આ પ્રકારે કોમર્શિયલ સિલેન્ડરની કિંમતોમાં ૪ રૂપિયા અને ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા ચાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દેવાયો છે.

જાન્યુઆરીમાં પ્રતિ સિલિન્ડર કેશ સબસિડી રૂ.૩૨૦ મળશે. ડિસેમ્બર ૨૦૧૭માં આ ભાવ રૂ. ૩૨૫.૬૧ હતો. આ પ્રકારે સબસિડીમાં ૪.૬૧ રૂપિયાનો ઘટાડો કરાયો છે. ઘરેલૂ ગેસની કિંમતોમાં કિંમત ઓછી થવાનો ફાયદો માત્ર એ જ ગ્રાહકોને મળશે કે જે સબસિડી નથી લેતાં. આ પહેલાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પોતાનાં ગ્રાહકોને રાહત આપતા ફેસબુક અને ટ્વિટરનાં આધારે બુકિંગ સુવિધા પણ શરૂ કરી હતી.

હવે આપ ફેસબુક અને ટ્વિટરનાં માધ્યમ દ્વારા પણ એલપીજી ગેસ સિલિન્ડરને બુક કરાવી શકશો. જો કે હાલમાં આ સુવિધા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ જાણકારી આઇઓસી ઓઇલનાં અધિકારીક પેજનાં માધ્યમ દ્વારા સામે આવી છે.

માત્ર એટલું જ નહીં પરંતુ ફેસબુક પર સિલિન્ડર બુક કરવાની સાથે આપ પોતાનાં ત્રણ બુકીંગની હિસ્ટ્રી પણ જોઇ શકશો. આઇઓસી દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાનો લાભ રાજયનાં લગભગ ૩૦ લાખ ગ્રાહકોને મળશે.

આ પ્રકારે કરાવો Facebook-Twitterથી બુકિંગ

આ માટે આપ સૌથી પહેલાં તમારા ફેસબુક એકાઉન્ટને લોગ ઇન કરો અને ત્યાર બાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં ઓફિશીયલ પેજ https://www.facebook.com/IndianOilCorpLimited પર જાઓ. પછી ટોપમાં જમણી બાજુએ આપને “Book Now”નું બટન જોવાં મળશે.

આ બટન પર તમે કિલક કરો. જેથી એક નવું વેબ પેજ ખુલશે. પછી સતત આ બટન પર કિલક કરો. જેમાં ત્યાર બાદ એલપીજી આઇડી માગવામાં આવશે. “Book Now”નો ઓપ્શન મળશે. પછી તમારા બુકિંગ કર્યા બાદ તમને તમારા મોબાઇલ નંબર પર કન્ફર્મેશન નંબર મળી જશે.

(10:36 am IST)