Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

વર્તમાન તેજીનો દોર જળવાઇ રહેશે તો આ વર્ષે ક્રુડ ઓઇલ ૮૦ ડોલર વટાવી જશે

ડબ્લ્યુટીઆઈ અને બ્રેન્ટએ અનુક્રમે ૬૦ અને ૬૭ ડોલરે વર્ષ પૂરું કરતા અન્ય કોમોડીટીની માફક રોકાણકારો અને ટ્રેડરોને સારું વળતર મળ્યું છે. અલબત્ત ક્રુડ ઓઈલ માર્કેટ અત્યારે બુલ ફેઝમાં છે, આમ જો તેજીનો વક્કર ચાલુ રહેશે તો ૨૦૧૮મા ભાવ ૮૦ ડોલર વટાવી જવાની સંભાવના નકારી ન શકાય. ભાવ લાંબાગાળાના રેસીસટન્ટ વટાવી ગયા હોવાથી ટૂંકાગાળામાં નફાબુકીંગ પણ અનિવાર્ય થઇ ગયું છે. જાન્યુઆરી ૨૦૧૪ પછી આ પહેલી ઘટના છે, જેમાં બન્ને ક્રુડ ઓઈલ વાયદા ૬૦ ડોલરની ઉપર ખુલ્યા હોય.

યુકેના નોર્થ સીની મેઈન પાઇપલાઈન ફોર્ટીસ પાઇપલાઇન સીસ્ટમને ઈમરજન્સી રીપેર કરવાની જરૂરત ઉભી થયાનાં સમાચાર આવ્યા પછી બે વર્ષમાં પહેલી વખત બ્રેન્ટ ભાવ ૬૫ ડોલરની ઉપર ગયા છે. દૈનિક ૪.૫ લાખ બેરલનું ઉત્પાદન કરતી આ પાઇપલાઈનમાં ૩૦ ડિસેમ્બરથી સંપૂર્ણ કામગીરી શરુ થઇ જશે. ઓપેક અને રશિયાએ એક વર્ષ માટે ઉત્પાદન કાપ જારી રાખવાનો નિર્ણય લીધો તેને લીધે પણ ભાવને સપોર્ટ મળ્યો છે. આ ઉત્પાદન કાપ જાન્યુઆરી ૨૦૧૭મા શરુ થયો હતો જે ૨૦૧૮મા પણ ચાલુ રહેશે.

વિશ્વના સૌથી મોટા ક્રુડ ઓઈલ ગ્રાહક ચીન ૧૮ જાન્યુઆરીથી સ્થાનિક બજારમાં વાયદાના સોદા શરુ કરશે. તેની આ યોજના એક વર્ષથી ઘડાઈ રહી હતી. શાંઘાઈ ફ્યુચર્સ એકસચેન્જનું યુનિટ શાંઘાઈ ઇન્ટરનેશનલ એનર્જી એક્સચેન્જ ચીનના ગ્રાહકોને લોકલ કરન્સીમાં વાયદાનાં સોદા કરવાની છૂટ આપશે. આને લીધે અમેરિકન ડોલરની ગ્લોબલ કરન્સી તરીકે જાગતિક વેપારમાની મોનોપોલી ખતરામાં મુકાશે.

ઈરાનમાં છેડાયેલા ગૃહયુધ્ધે ૨૦૧૮મા ક્રુડ ઓઈલ બજાર તેજી સાથે શરુ થઇ છે. સરકાર વિરોધી ચળવળ મંગળવારે છઠ્ઠા દિવસમાં દાખલ થઇ હતી. જગતના મોટા નિકાસકાર દેશ ઈરાનમાં અસલામતી ઉભી ન થઇ હોત તો પણ બજારનું સેન્ટીમેન્ટ તેજી તરફી થઇ ગયું છે. વિશ્વભરમાં ઘટી રહેલી ઇન્વેન્ટરીઝ અને મજબુત જાગતિક આર્થિક વિકાસ જોતા તેજીની સંભાવના ઉજળી બની છે. લીબિયાની પાઈપલાઈન બંધ થવા સાથે ફોર્ટિસ પાઇપલાઈન શરુ થઇ જશે, પરિણામે બજારમાનો સ્ટોક સરભર થઇ જશે.

રોકાણકારો અને ટ્રેડરો હવે પૂછી રહ્યા છે કે ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકમાં તેજી જળવાઈ રહશે? ઓપેકે ઉત્પાદન કાપનું આપેલું તાજું વચન તેજી માટે આવકાર્ય છે. અલબત્ત, અમેરિકન એજન્સી ઈઆઈએ (એનર્જી ઇન્ફોર્મેશન એડમીનીસ્ટ્રેશન)ની તાજી આગાહી કહે છે કે યુએસ શેલ ઉત્પાદન તેની ચરમસીમાએ હજુ પહોચ્યું નથી, ચોથા ત્રિમાસિકમાં શેલ ઓઈલ ઉત્પાદન દૈનિક ૧૦૦ લાખ બેરલની નવી ઉંચાઈએ પહોચી જશે. શક્ય છે કે ૨૦૧૮નાં અંતિમ તબક્કામાં ક્રુડ ઓઇલના ભાવ દબાણમાં આવે.

વૈશ્વિક વધુ માંગને પગલે ૨૦૧૭મા ઇન્વેન્ટરીઝ સંકળાઈ ગયાની માન્યતા પ્રવર્તે છે. ઈએઆઈ એવું માને છે કે ૨૦૧૮ના પ્રથમ ત્રિમાસિકમાં આ ટ્રેન્ડ નજીવા પ્રમાણમાં ઉલટાઈ શકે છે. પણ જો ઓપેક આપેલા સ્પલાય નિયંત્રણના વચનને વળગી રહેશે (ભાવી ઇન્વેન્ટરીઝનો આધાર પણ વર્તમાન ઓપેક ઉત્પાદન કાપ પર નિર્ભર છે), તે તો ઓપેક હવે પછી તેની નિયંત્રણ યંત્રણા કઈ રીતે મજબુત બનાવે છે તેના પર નિર્ભર છે. અમેરિકા અને ઓપેક વચ્ચે ચાલતી વર્તમાન ગોબાચારી જ ૨૦૧૭ની માફક ૨૦૧૮નાં ભાવના દિશાદોર નક્કી કરશે. તા. ૩-૧-૨૦૧૮             

આ આર્ટીકલના લેખક શ્રી ઇબ્રાહીમ પટેલ commoditydna.com વેબસાઇટના એડિટર છે. કે જે ગુજરાતી, હિન્‍દી, અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અપલોડ થતી વિશ્વની એકમાત્ર કોમોડીટી રીસર્ચ વેબસાઇટ છે. તેઓ ૩૬ વર્ષતી કોમોડીટી બજારના જર્નાલીસ્‍ટ છે.

(10:39 pm IST)