Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

પુનાની ઘટનાના સુરતમાં પડઘાઃ ભાજપ કાર્યાલય ઉપર પથ્થરમારો અને તોડફોડ

દલિત સમાજના ટોળાઓ દ્વારા દેખાવોઃ ઉધના રેલ્વે સ્ટેશને ચક્કાજામ : પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો : શોપમાર્કેટ બંધ

રાજકોટ, તા. ૩ : ગઈકાલે પુના અને મુંબઈમાં મરાઠા અને દલિત સમુદાય વચ્ચે થયેલી હિંસક અથડામણના સુરતમાં પડઘા પડ્યા છે. આજે સુરતમાં પથ્થરમારો અને રસ્તા રોકોની ઘટના બનતા પોલીસતંત્ર સતર્ક થઈ ગયુ છે.

જાણવા મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રની ઘટના બાદ ત્યાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આજે બપોરે ૨ વાગ્યાના સમયે દલિત સમુદાય દ્વારા ઉધના રેલ્વે સ્ટેશન ખાતે રસ્તા તેમજ રેલ્વે વ્યવહાર ખોરવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે સમય સુચકતા વાપરી વાહન વ્યવહાર નિશ્ચિત કર્યો હતો.

દલિત સમુદાયનંુ ટોળાએ ભાજપ કાર્યાલય ઉપર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયુ હતું. રસ્તા ઉપર સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે ટાયર સળગાવવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિ પામી પોલીસે વધુ દળ બોલાવી લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ટોળાઓને વિખેરવા પ્રયાસ કરી રહી છે.

દરમિયાન ભાજપ કાર્યાલયમાં ભીમ સેનાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સુરતમાં અનેક બજારોના વેપારીઓએ માર્કેટ બંધ કરી હોવાનું જાણવા મળે છે.

(3:39 pm IST)