Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

તેલંગાણામાં શરુઆતના વલણોમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પારઃ ર૦૧૪માં આ રાજ્યની રચના પછી પહેલી વાર કોંગ્રેસ સતામાં આવી!

પહેલી વાર કોંગ્રેસ સતામાં આવી રહી છે, તેની સામે તેલંગાણાને રાજ્ય બનાવનાર KCR (હવે BRS) પાર્ટીને પહેલી વખત હારનો સામનો કરવો પડશે

નવી દિલ્‍હીઃ તેલંગાણામાં પહેલી વાર કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. શરુઆતના વલણોમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. વર્ષ 2014માં આ રાજ્યની રચના પછી પહેલી વાર કોંગ્રેસ સતામાં આવી રહી છે, તેની સામે તેલંગાણાને રાજ્ય બનાવનાર KCR (હવે BRS) પાર્ટીને પહેલી વખત હારનો સામનો કરવો પડશે. 

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાંથી તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢની ચૂંટણીનું પરિણામ આજે અને મિઝોરમનું અંતિમ પરિણામ 4 ડિસેમ્બર જાહેર થશે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે આમને-સામને થશે, જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો રહેશે એવી ધારણા કરવામાં આવી હતી પણ કોંગ્રેસ બાજી મારી ગઈ હોય એવું લાગી રહ્યું છે. 

મહત્વના મુદ્દાઓ 
- તેલંગાણામાં કુલ 119 વિધાનસભા બેઠકો છે 
- જેમાં 70.60 ટકા મતદાન થયું હતું 
- BRS પાર્ટીના સતત ત્રીજીવાર સત્તા મેળવવાના પ્રયત્નો કરી રહી છે
- તો વિપક્ષ પાર્ટી કોંગ્રેસ સત્તાપક્ષ બનવા માટે મથી રહી છે

એક્ઝિટ પોલમાં કોંગ્રસનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. તેલંગાણાની શાસક પાર્ટી બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે સખત લડત ચાલી રહી છે. બીઆરએસ સતત ત્રીજી ટર્મ માટે સત્તા પર આવવાનું લક્ષ્ય રાખી રહી છે ત્યારે કોંગ્રેસને તે રાજ્યમાં પહેલી સરકાર બનાવવાનો વિશ્વાસ છે. બીઆરએસ તમામ 119 બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે પોતાના સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) માટે એક સીટ છોડી દીધી છે. ભાજપ મેદાનમાં ત્રીજો મોટો દાવેદાર છે અને તે સત્તા વિરોધી મતો પર કાપ મૂકીને પરિણામને પ્રભાવિત કરી શકે છે. ભાજપે 119 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને બાકીની આઠ બેઠકો અભિનેતા-રાજકારણી પવન કલ્યાણની આગેવાની હેઠળની તેની સહયોગી જનસેના પાર્ટી (જેએસપી) પર છોડી દીધી છે. 

2014 માં તેલંગાણા રાજ્યની રચના પછી બે વાર ચૂંટણીઓ યોજાઈ હતી અને KCRની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ બંને ચૂંટણીઓમાં બહુમતી જીતી હતી. ચંદ્રશેખર રાવે તેમની પાર્ટી TRSનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) રાખ્યું છે. પક્ષનું નામ બદલ્યા બાદ BRSની આ પ્રથમ ચૂંટણી હરીફાઈ છે. જો કે પાર્ટીનું ચૂંટણી ચિન્હ હજુ પણ જૂનું છે અને પાર્ટીના કાર્યકરો હજુ પણ ગુલાબી ગમછા પહેરેલા જોવા મળે છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં BRSને કોંગ્રેસ અને BJP વચ્ચે સખત ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રિ-પોલ સર્વેમાં તેલંગાણા ત્રિકોણીય લડાઈમાં અટવાયું હોય તેવું લાગી રહ્યું છે.

એપ્રિલ 2014માં તેલંગાણા અને આંધ્ર પ્રદેશની 294 સીટો પર એકસાથે ચૂંટણી યોજાઇ
KCRએ વર્ષ 2001માં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ બનાવી હતી અને અલગ રાજ્યની માંગને લઈને રાજકીય આંદોલન શરૂ કર્યું હતું. ઉગ્ર આંદોલન પછી વર્ષ 2009માં સરકારે તેલંગાણાના નિર્માણને અનુમતિ આપી હતી પણ ચંદ્રબાબુ નાયડુની તેલગુદેશમ પાર્ટી આ ભાગલાની વિરુદ્ધ હતી. અંતે વર્ષ 2013 માં મનમોહન સિંહની યુપીએ-2 સરકારે તેલંગાણા રાજ્યની રચનાને અનુમતિ આપી હતી અને એપ્રિલ 2014માં તેલંગાણા અને આંધ્ર પ્રદેશની 294 સીટો પર એકસાથે ચૂંટણી યોજાઇ હતી. જેમાં આંધ્રપ્રદેશને 175 તો તેલંગાણાના હિસ્સાની 119 સીટો પર ચૂંટણી યોજાઇ હતી. 

કોંગ્રેસને આશા હતી કે નવા રાજ્યની રચનાથી તેલંગાણામાં કોંગ્રેસને ફાયદો થશે. પરંતુ કેસીઆરની રાજનીતિને કારણે તે ચૂંટણી પરિણામોમાં પાછળ રહી ગઈ. તેલંગાણામાં TRSને 13.68 ટકા મતો સાથે 63 બેઠકો મળી તો કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. રાજ્યના વિભાજનથી નારાજ આંધ્ર પ્રદેશના મતદારોએ રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો. આ ચૂંટણીમાં કેસીઆર તેલંગાણાના નવા હીરો તરીકે ઉભરી આવ્યા હતા અને કેસીઆર તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

KCRની પહેલી સરકારનો કાર્યકાળ એપ્રિલ 2019માં પૂરો થવાનો હતો, પરંતુ KCRએ એક મોટી ચાલ ચાલી અને એમને આઠ મહિના અગાઉ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. જેથી સપ્ટેમ્બર 2018માં બીજી વખત તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ વ્યૂહરચનાથી તેમણે વિપક્ષને ચૂંટણીની તૈયારી કરવાનો મોકો પણ આપ્યો ન હતો. કેસીઆર પોતે પોતાની યોજનાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેની વ્યૂહરચના કામ કરી ગઈ. 2018ની વિધાનસભા ચૂંટણીમાં KCRની TRSને બમ્પર સીટો મળી હતી. જેમાં કોંગ્રેસને 19, ભાજપને એક, ડાબેરી પક્ષોને એક અને તેલુગુ દેશમને માત્ર બે બેઠકો મળી છે. KCRએ 88 વિધાનસભા બેઠકો જીતીને બીજી વખત સરકાર બનાવી. તેમની પાર્ટીને 46.87 ટકા વોટ મળ્યા અને 2014ની સરખામણીમાં 25 સીટો વધુ મેળવી હતી. 

રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 7 ડિસેમ્બર, 2018ના રોજ યોજાઈ હતી. જો છેલ્લી વખતના મતદાનની ટકાવારીના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં કુલ 73.37% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પુરુષોની મતદાન ભાગીદારી 72.90% અને મહિલાઓની 73.86% હતી. 2018 માં, રાજ્યમાં સૌથી વધુ મતદાન પાલેર બેઠક પર નોંધાયું હતું. અહીં 92.09% લોકોએ તેમની મતાધિકારનો ઉપયોગ કર્યો. સૌથી ઓછું મતદાન મલકપેટ સીટ પર થયું હતું. અહીં માત્ર 42.36% લોકોએ મતદાન કર્યું હતું. જો આપણે પક્ષ મુજબના આંકડા જોઈએ તો 2018માં 46.87% લોકોએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (હવે BRS)ને મત આપ્યો હતો. વોટ ટકાવારીની દ્રષ્ટિએ કોંગ્રેસ પાર્ટી 28.43% સાથે બીજા સ્થાને હતી. જ્યારે 6.98% લોકોએ ભાજપને, 3.51% TDPને અને 2.71% લોકોએ AIMIMને મત આપ્યો હતો.

(12:16 pm IST)