Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

લ્‍યો બોલો... પતિએ રૂા. ૪.૫૦ લાખ ખર્ચીને હનીમુન પેકેજ બુક કરાવ્‍યું : ફરી આવ્‍યો પત્‍નીનો પરિવાર

ઐસા ભી હોતા હૈ

દેહરાદૂન તા. ૩ : માલદીવમાં એક વ્‍યક્‍તિએ લગભગ ૪.૫ લાખ રૂપિયા ખર્ચીને એક સપ્તાહનું હનીમૂન પેકેજ બુક કરાવ્‍યું હતું. જોકે, પ્રવાસ પહેલા જ તેનો તેની પત્‍ની સાથે વિવાદ થયો હતો. પત્‍ની તેના મામાના ઘરે ગઈ અને તેના પતિને કહ્યા વિના તેની બહેન સાથે તે હનીમૂન પેકેજ પર માલદીવ આવી ગઈ. પતિને આ વાતની જાણ ત્‍યારે થઈ જયારે તેણે ઈન્‍ટરનેટ મીડિયા પર તેની પત્‍ની અને તેની બહેનની માલદીવની તસવીરો જોઈ.

હવે પતિએ પત્‍ની, તેની બહેન અને હનીમૂન પેકેજ બુક કરનાર ટ્રાવેલ કંપનીના ડાયરેક્‍ટર વિરૂદ્ધ પટેલ નગર પોલીસ સ્‍ટેશનમાં કેસ દાખલ કર્યો છે. હાલ પતિ-પત્‍ની અલગ-અલગ રહે છે. દેહરાદૂનના જીએમએસ રોડ વિસ્‍તારના રહેવાસી અંકિત ગર્ગના લગ્ન ૨૦ ઓક્‍ટોબર ૨૦૨૧ના રોજ સિવિલ લાઈન્‍સ, મુઝફફરનગર (યુપી)માં રહેતી સોનાક્ષી બંસલ સાથે થયા હતા.

અંકિતનું કહેવું છે કે ૧૩ ડિસેમ્‍બર, ૨૦૨૧ના રોજ તેણે ટ્રાવેલ ટ્રેપ્‍સ ગ્‍લોબલ પ્રાઈવેટ લિમિટેડ, ટી નગર, ચેન્નાઈથી માલદીવમાં જાન્‍યુઆરી ૨૦૨૨ માટે એક સપ્તાહનું હનીમૂન પેકેજ બુક કરાવ્‍યું હતું. આ માટે તેણે કંપનીને ૪ લાખ ૩૬ હજાર રૂપિયા ચૂકવ્‍યા હતા. તે પત્‍ની સોનાક્ષી સાથે ૨૫ જાન્‍યુઆરી ૨૦૨૨ના રોજ દેહરાદૂનથી માલદીવ જવાનો હતો. અંકિતનો આરોપ છે કે અગાઉ ૨૦ જાન્‍યુઆરીએ સોનાક્ષી તેની સાથે ઝઘડો કરીને મુઝફફરનગર ગઈ હતી.

ઘણી સમજાવટ બાદ પણ સોનાક્ષી પરત ફરવા તૈયાર ન હતી, જેથી અંકિતે ટ્રાવેલ કંપનીના ડાયરેક્‍ટર શ્રીનાથ સુરેશને ટ્રીપ કેન્‍સલ કરીને પૈસા પરત કરવા જણાવ્‍યું હતું. જોકે, કંપની દ્વારા તેમની યાત્રા રદ કરવામાં આવી ન હતી.

ઘણી સમજાવટ પછી પણ સોનાક્ષી તેના સાસરે પાછી ન આવી, તેથી ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ, બંને પરિવારોએ પરસ્‍પર સંમતિથી કપલને અલગ કરી દીધા. આ પછી, ૬ ઓગસ્‍ટ, ૨૦૨૨ ના રોજ, અંકિત તેનું ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ ચેક કરી રહ્યો હતો, ત્‍યારે તેણે એક તસવીર જોઈ જેમાં તેની પત્‍ની સોનાક્ષી અને તેની બહેન ઈશિતા માલદીવમાં ફરતા હતા.

આના પર અંકિતે ટ્રાવેલ કંપનીના ડાયરેક્‍ટર શ્રીનાથ સુરેશને ફોન કર્યો અને ખબર પડી કે સોનાક્ષી અને ઈશિતા તેના દ્વારા બુક કરાયેલ માલદીવમાં હનીમૂન પેકેજ પર ગયા છે.

અંકિતનો આરોપ છે કે સોનાક્ષી, ઈશિતા અને શ્રીનાથ સુરેશ સાથે મળીને બનાવટી દસ્‍તાવેજો સાથે તેમના હનીમૂન પેકેજનો દુરૂપયોગ કર્યો છે. પટેલ નગર કોતવાલીના ઈન્‍સ્‍પેક્‍ટર સૂર્યભૂષણ નેગીએ જણાવ્‍યું કે શુક્રવારે આ કેસમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો હતો.

(11:04 am IST)