Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જર્મન છોકરીને બિહારના છોકરાથી થયો પ્રેમઃ મૈથિલ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન

પટના,તા.૩ : અત્‍યારે બિહારમાં થયેલા એક લગ્ન ખુબ જ ચર્ચામાં છે. બિહારના સહરસાનો રહેવાસી ચૈતન્‍યે જર્મન છોકરી સાથે લગ્ન કર્યા છે. દંપતીની પ્રથમ મુલાકાત જર્મનીમાં થઈ હતી. તે બંને ત્‍યારે જર્મનીની એક કોલેજમાં પીએચડીનો અભ્‍યાસ કરી રહ્યા હતા. અહીં અભ્‍યાસ દરમિયાન બંનેને એક બીજાથી પ્રેમ થઈ ગયો હતો.

જર્મનીની એક છોકરીને બિહારના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે. પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને છોકરીએ છોકરાને સામે લગ્નનો પ્રસ્‍તાવ મૂક્‍યો. છોકરાના પરિવારજનો પણ લગ્ન માટે સંમત થઈ ગયા હતા. આ પછી તારીખ કન્‍ફર્મ થઈ અને યુવતી લગ્ન માટે બિહાર પહોંચી હતી. ત્‍યારબાદ બંનેએ મિથિલા પરંપરા મુજબ લગ્ન કરી લીધા. જર્મન યુવતીની માતા, બહેન અને એક સંબંધી પણ લગ્ન માટે બિહાર આવ્‍યા હતા.

સહરસાના પટુહા ગામના રહેવાસી ચૈતન્‍ય ઝા અને માર્થાની જર્મનીમાં પહેલી મુલાકાત થઈ હતી. ચૈતન્‍ય જર્મનીમાં અભ્‍યાસ કરવા ગયો હતો. બંને પીએચડી કરી રહ્યા હતા. જોકે, ચૈતન્‍યનો પ્રારંભિક અભ્‍યાસ સહરસામાંથી જ થયો હતો. ચૈતન્‍યના પરિવારજનોએ જણાવ્‍યા પ્રમાણે ભત્રીજાનું પ્રારંભિક શિક્ષણ સહરસમાં જ થયું હતું. તે બી.ટેક કરવા શિલોંગ ગયો હતો. આ પછી તેણે બેલ્‍જિયમમાંથી માસ્‍ટર ડિગ્રી મેળવી. તે પછી તે પીએચડી કરવા જર્મની ગયો હતો. આ દરમિયાન માર્થા અને ચૈતન્‍ય મળ્‍યા અને બંને ધીમે ધીમે પ્રેમમાં પડ્‍યા.

માર્થાને હિન્‍દી બોલતા આવડતું નથી, છતાં મિથિલા રિવાજ પ્રમાણે લગ્ન કરવા રાજી થઈ ગઈ. માર્થાએ અહીંની મિથિલા પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. ચૈતન્‍યના પરિવારજનોએ જણાવ્‍યું કે, માર્થાએ કહ્યું છે કે તે બે-ત્રણ મહિનામાં હિન્‍દી શીખી લેશે. લગ્ન સમયે કન્‍યાએ વચન આપ્‍યું હતું કે તે બે-ત્રણ મહિનામાં હિન્‍દી શીખી લેશે. ઉલ્લેખનીય છે કે, છોકરી અંગ્રેજી, જર્મન સહિત ૮ ભાષાઓ જાણે છે.

જયારે બંનેએ તેમના પરિવારજનોને આ અંગે જણાવ્‍યું તો બંનેના પરિવારજનોએ લગ્ન માટે સંમતિ આપી દીધી. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો માર્થા પોલેન્‍ડની રહેવાસી ઓર્લોસ્‍કાની પુત્રી છે. હવે બિહારના છોકરાએ જર્મન વહુને લાવવાની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. આવું ભારતમાં એક વખત નથી બન્‍યું. આ પહેલા પણ ઘણી વિદેશી છોકરીઓએ ભારતીય છોકરા સાથે ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા છે. 

(10:25 am IST)