Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

કેનેડા ઉપર ભારતની ‘ડિપ્‍લોમેટિક સ્‍ટ્રાઇક'

કેનેડાના ૪૦ રાજદ્વારીઓને ૧૦મી સુધીમાં ‘‘બિસ્‍તરા-પોટલા'' બાંધવાના આદેશો : વિવાદ વચ્‍ચે ભારતે કેનેડા સામે કર્યો ચોથો પ્રહાર : બંને દેશોના સંબંધો પહોંચ્‍યા તળિયે

નવી દિલ્‍હી તા. ૩ : ભારત અને કેનેડા વચ્‍ચે ખાલિસ્‍તાનને લઈને વિવાદ ઉગ્ર બન્‍યો છે. ભારત સરકારે ડઝનેક કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. આ અત્‍યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. ફાઈનાન્‍સિયલ ટાઈમ્‍સના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અખબાર અનુસાર, ભારત સરકારે કેનેડાને કહ્યું કે તેના રાજદ્વારીઓ ભારત છોડી દે. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે મોદી સરકારે કહ્યું છે કે ૪૦ કેનેડિયન રાજદ્વારીઓ ૧૦ ઓક્‍ટોબર સુધીમાં ભારત છોડી દે.

ભારત સરકારે પહેલેથી જ આનો સંકેત આપ્‍યો હતો જયારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વધુ કેનેડિયન રાજદ્વારીઓ અહીં તૈનાત છે. આવી સ્‍થિતિમાં તેમની સંખ્‍યા ઘટાડવાની જરૂર છે. કેનેડા તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કેનેડામાંથી ભારતીય રાજદ્વારીઓની સંખ્‍યામાં પણ ઘટાડો થઈ શકે છે. કેનેડા સામે ભારત દ્વારા કરવામાં આવેલી આ ચોથી કાર્યવાહી છે. ભારતે પહેલા કેનેડાના ગુપ્તચર અધિકારીને દેશ છોડવાનો આદેશ આપ્‍યો હતો. ત્‍યારબાદ વિઝા સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને કેનેડિયન નાગરિકોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આટલું જ નહીં, ભારત સરકારે કેનેડા જનારા ભારતીયો માટે એડવાઈઝરી પણ જારી કરી હતી.

આ રીતે મોદી સરકારે કેનેડા વિરૂદ્ધ આ ચોથું પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં કેનેડામાં ખતરનાક ખાલિસ્‍તાની હરદીપસિંહ નિજ્જરની હત્‍યા કરવામાં આવી હતી. કેનેડાએ તાજેતરમાં આ હત્‍યાકાંડમાં ભારતીય એજન્‍સીઓની સંડોવણીનો ખુલાસો કર્યો હતો અને પછી આ મામલો યુએન સુધી પહોંચ્‍યો હતો. આ કારણે બંને દેશો વચ્‍ચે તણાવ છે અને ભારત આ આરોપોને સતત નકારી રહ્યું છે. એટલું જ નહીં વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનમાં કહ્યું હતું કે કેટલાક દેશો રાજકીય સગવડને ધ્‍યાનમાં રાખીને આતંકવાદ સાથે કામ કરી રહ્યા છે, જે ખોટું છે.

ભારત અને કેનેડા વચ્‍ચે સર્જાયેલા તણાવની અસર યુરોપિયન દેશો અને અમેરિકા પર પણ દેખાઈ રહી છે. કેનેડા ઉપરાંત બ્રિટન, ફ્રાન્‍સ, ઓસ્‍ટ્રેલિયા જેવા દેશોમાં પણ ખાલિસ્‍તાની તત્‍વો સક્રિય છે. આવી સ્‍થિતિમાં આ દેશોનું એમ પણ કહેવું છે કે તેઓ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે. અમેરિકાએ કેનેડા અને ભારતને પણ આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે અપીલ કરી છે. જો કે, તે ભારત જેવા મહત્‍વના આર્થિક ભાગીદાર અને કેનેડા જેવા નાટો સભ્‍ય વચ્‍ચે સર્જાયેલા તણાવ વચ્‍ચે સંતુલનની નીતિ જાળવવા માંગે છે.

(3:31 pm IST)