Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

૪.૫૩ કરોડનું સોનું મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયું

કોઈને કલ્પના ન આવે એ રીતે સોનાની દાણચોરી : એક પેસેન્જર પાસેથી ગોલ્ડ ડસ્ટના સ્વરુપમાં ૪.૫ કિલો બીજા કેસમાં ૨૪ કેરેટના ૧.૪ કિલોના બિસ્કિટ મળ્યા

મુંબઈ, તા.૩ : અમદાવાદ અને મુંબઈ એરપોર્ટ પર દુબઈથી ગેરકાયદે લવાયેલું ગોલ્ડ પકડાયું હોય તેવા સમાચાર અવારનવાર આવતા રહે છે. જોકે, છેલ્લા બે દિવસમાં મુંબઈ એરપોર્ટ પર ૪.૫૩ કરોડનું ગોલ્ડ ઝડપાયેલું ગોલ્ડ એવી રીતે છૂપાવાયું હતું કે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. કસ્ટમના અધિકારીઓએ આ બે દિવસમાં કુલ ૯ કિલો ૧૧૫ ગ્રામગોલ્ડ ઝડપ્યું છે. જેને ટ્રાન્સફોર્મરની કોઈલથી લઈને ટ્રોલી વ્હીલમાં છૂપાવીને લાવવામાં આવી રહ્યું હતું.

પહેલા કેસમાં દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી ગોલ્ડ ડસ્ટના સ્વરુપમાં ૪.૫ કિલો ગોલ્ડ મળ્યું હતું, જેની માર્કેટ વેલ્યૂ ૨.૧૪ કરોડ રુપિયા થાય છે. જ્યારે બીજા કેસમાં ૨૪ કેરેટ ગોલ્ડના ૧.૪ કિલોના બિસ્કિટ ફ્લાઈટમાંથી મળી આવ્યા હતા, જ્યારે ત્રીજા કેસમાં ૧૮.૯૦ લાખનું ૩૬૫ ગ્રામ ગોલ્ડ મળી આવ્યું હતું. ચોથો કિસ્સો સૌથી ચોંકાવનારો હતો, જેમાં ટ્રોલી બેગના વ્હીલમાં ૬૯૯.૨૦ ગ્રામ ગોલ્ડ છૂપાવીને લવાઈ રહ્યું હતું.

આ બે દિવસ દરમિયાન સામે આવેલા અન્ય બે કેસમાં એક પેસેન્જર પાસેથી ૪૨.૨૮ લાખનું ૮૧૬ ગ્રામ ગોલ્ડ જ્યારે છઠ્ઠા કિસ્સામાં ૧.૩ કિલો ગોલ્ડ ઝડપાયું હતું જેની માર્કેટ વેલ્યૂ ૬૮.૦૯ લાખ રુપિયા થાય છે. આ છ કેસમાંથી એકમાં તો બેંકોકથી આવેલા પેસેન્જર પાસેથી ગોલ્ડ ઝડપાયું હતું. ટ્રોલી વ્હીલમાંથી ગોલ્ડ મળવાના કેસ અંગે કસ્ટમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્કેનરમાં આ બેગમાં કંઈક અજુગતું દેખાતા તેને અલગ કરીને તપાસ કરવામાં આવી હતી. તેના વ્હીલ પરનું પ્લાસ્ટિક દૂર કરાતા જ અંદરથી ગોલ્ડ મળી આવ્યું હતું.

આ સિવાય ટ્રાન્સફોર્મરની કોઈલમાંથી પણ ગોલ્ડ મળી આવ્યું હોવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્મગલર્સ પેસ્ટ સ્વરુપે કે પછી ડસ્ટ સ્વરુપે શૂઝથી લઈને બેલ્ટમાં પણ ગોલ્ડ લઈ આવતા હોય છે. જોકે, ટ્રાન્સફોર્મરની કોઈલમાંથી ગોલ્ડ મળ્યું હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો છે. દાણચોરી કરતા લોકોને દુબઈ આવવા-જવાની ટિકિટ ઉપરાંત નિશ્ચિત રકમ પણ આપવામાં આવતી હોય છે. માત્ર ગુજરાત કે મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશના વિવિધ એરપોર્ટ્સ પર સોનાની દાણચોરી પકડાઈ હોય તેવા કેસ અવારનવાર સામે આવતા હોય છે.

 

(7:52 pm IST)