Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દેશમાં ૨૦ કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે : હોસાબલે

દેશમાં બેરોજગારી અને આવકમાં વધતી અસમાનતા : ગરીબી ઉપરાંત અસમાનતા-બેરોજગારી એ બે પડકારો છે જેનો સામનો કરવાની જરૃર : આરએસએસ મહાસચિવ

નવી દિલ્હી, તા.૩ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ રવિવારે દેશમાં બેરોજગારી અને આવકમાં વધતી અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ગરીબી દેશ સામે એક દાનવ જેવા પડકાર તરીકે ઉભરી રહી છે. જોકે, હોસાબાલેએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ પડકારનો સામનો કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. હોસબાલેએ સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચ (SJM) દ્વારા આયોજિત વેબિનારમાં કહ્યું કે, આપણને એ વાતનું દુઃખ થવુ જોઈએ કે ૨૦ કરોડ લોકો ગરીબી રેખાની નીચે છે અને ૨૩ કરોડ લોકો દરરોજ ૩૭૫ રૃપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છે.

ગરીબી આપણી સામે એક દાનવ જેવો પડકાર છે. આ દાનવનો નાશ થાય તે જરૃરી છે. આરએસએસનેતાએ કહ્યું કે, ગરીબી ઉપરાંતઅસમાનતા અને બેરોજગારી એ બે પડકારો છે જેનો સામનો કરવાની જરૃર છે. દેશમાં ૪ કરોડ બેરોજગાર છે જેમાંથી ૨.૨ કરોડ ગ્રામીણ વિસ્તારોમાં અને ૧.૮ કરોડ શહેરી વિસ્તારોમાં બેરોજગાર છે. લેબર ફોર્સ સર્વેમાં બેરોજગારીનો દર ૭.૬ ટકા દર્શાવવામાં આવ્યો છે. રોજગારી પેદા કરવા માટે અમારે માત્ર અખિલ ભારતીય યોજનાઓની જ નહીં પરંતુ સ્થાનિક યોજનાઓની પણ જરૃર છે.

હોસાબાલેએ કુટીર ઉદ્યોગોને પુનઃજીવિત કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વધારવા માટે કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં વધુ પહેલ કરવાનું પણ સૂચન કર્યું હતું. આવકની અસમાનતાના સંદર્ભમાં હોસાબાલેએ પ્રશ્ન કર્યો કે, શું તે સારી વાત છે કે ટોચની ૬ અર્થવ્યવસ્થાઓમાં હોવા છતાં દેશની અડધી વસ્તીને કુલ આવકના માત્ર ૧૩% જ મળે છે.

 

 

 

(7:52 pm IST)