Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગરબાના મેદાનમાં ત્રણ ખેલૈયાના હાર્ટએટેકથી મોત

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને એટેકના કિસ્સા વધ્યા : ગરબા રમતા પણ હાર્ટ એટેક આવે તે વિચારથી લોકો તણાવમાં

નવી દિલ્હી, તા.૩ : દેશભરમાં નવરાત્રીની ઉજવણી વચ્ચે ગરબા મેદાનોમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગરબા પર્વ દરમિયાન બે ચોંકાવનારા કિસ્સામાં ગરબા રમી રહેલા બે યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. પહેલી ઘટના વાશિમ જિલ્લાની છે.અહીંયા ગોપાલ નામનો યુવક ૩૦ સપ્ટેમ્બરે ગરબા રમી રહ્યો હતો અને અચાનક જ ગરબા રમતા પડી ગયો હતો. તેનુ મેદાનમાં જ મોત થયુ હતુ.હોસ્પિટલમાં તેને લઈ જવાયો ત્યારે ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આવી એક ઘટના કારંજા લાડ શહેરમાં બની છે. જેમાં સુશીલ કાળે નામનો યુવક એક ઓક્ટોબરે ગરબા રમીને ઘરે પહોંચ્યો હતો અને સવારે તેને હાર્ટ એટેક આવી ગયો હતો.

મુંબઈના મુંલુડ વિસ્તારમાં રવિવારે બનેલા આવા એક કિસ્સામાં ઋુષભ નામનો યુવક ગરબા રમી રહ્યો હતો અને તે અચાનક જ પડી ગયો હતો. ડોકટરો પાસે તેને લઈ જવાયો ત્યારે તેને મૃત જાહેર કરાયો હતો. ગરબા રમતી વખતે જ તેને હાર્ટ એટેક આવી ગયો હતો.

આ ઘટનાઓના પગલે લોકો સ્તબ્ધ છે અને  ગરબા રમતા પણ હાર્ટ એટેક આવી જાય તે વિચારથી પણ લોકો તણાવમાં છે.

 

(7:51 pm IST)