Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પંજાબમાં આમ આદમી સરકારે વિશ્વાસનો મત જીત્યો :સમર્થનમાં 93 ધારાસભ્યોના મત પડ્યા

વિધાનસભામાં હાથ ઉંચા કરીને વિશ્વાસ મતની તરફેણમાં અને વિરૂદ્ધમાં મતદાન કરાયું : વિશ્વાસ મત વિરૂદ્ધ શૂન્ય મત

નવી દિલ્હી :પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. તેમના સમર્થનમાં કુલ 93 વોટ પડ્યા છે. પંજાબ વિધાનસભામાં હાથ ઉંચા કરીને વિશ્વાસ મતની તરફેણમાં અને વિરૂદ્ધમાં મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે, મતગણતરી મેન્યુઅલી કરવામાં આવી હતી. વિશ્વાસ મતના સમર્થનમાં 93 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. વિશ્વાસ મત વિરૂદ્ધ શૂન્ય મત છે. ત્યારબાદ વિશ્વાસ મત સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

પંજાબના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે વિધાનસભામાં વિશ્વાસ મત પસાર થયો છે. અગાઉ 1981માં પૂર્વ સીએમ દરબારા સિંહના કાર્યકાળ દરમિયાન 8મી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

27 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે તે જરૂરી બની ગયું છે. આ દરમિયાન સીએમ ભગવંત માને કહ્યું હતું કે ભાજપ જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને પતન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે કોંગ્રેસ પણ તેમને આ કામમાં સાથ આપી રહી છે.

 

સાથે જ ભાજપે આ વિશ્વાસ પ્રસ્તાવને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેના બે ધારાસભ્યોએ ન તો વિધાનસભામાં ભાગ લીધો કે ન તો ચર્ચામાં ભાગ લીધો. જ્યારે બીજેપીના પ્રદેશ મહાસચિવ સુભાષ શર્માએ કહ્યું હતું કે અમે આમ આદમી પાર્ટી સરકારના ગેરબંધારણીય પગલા અને વિધાનસભાના દુરુપયોગ સામે રાજ્યભરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરીશું.

 

(7:04 pm IST)