Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

યુપીના ભદોહી દુર્ગા પૂજા પંડાલમાં આગ : બેના મોત

કુલ ૬૪ લોકો દાઝી ગયા દુર્ઘટના થઇ તે સમયે પંડાલના લગભગ દોઢસોથી વધારે લોકોની ભીડ હાજર હતી

ભદોહી તા. ૩ : યૂપીના ભદોહીના ઔરાઈમાં આવેલા દુર્ગા પૂજા પંડાલમાં રવિવારની રાતે લાગેલી ભીષણ આગમાં દાઝી જતાં ૧૨ વર્ષના બાળક અને એક ૪૫ વર્ષિય મહિલાનું મોત થયું છે. આ દુર્ઘટનામાં કુલ ૬૪ લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર માટે અલગ અલગ હોસ્‍પિટલોમાં ભરતી કરાવ્‍યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દુર્ગા પૂજા પંડાલમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે પંડાલમાં લગભગ દોઢ સોથી વધારે લોકોની ભીડ હાજર હતી.

પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, કાર્યક્રમ સ્‍થળ પાસે અચાનક આગ લાગી ગઈ હતી, જોત જોતા આગે વિકરાળ સ્‍વરુપ ધારણ કરી લીધું, જે બાદ પંડાલમાં ભાગદોળ મચી ગઈ હતી. તાત્‍કાલિક આગની ચપેટમાં આવેલા લોકોને હોસ્‍પિટલમાં ભરતી કરાવ્‍યા, પંડાલમાં જગ્‍યા ઓછી હતી. જેના કારણે લોકોને બહાર કાઢવામાં ભારે સમય લાગ્‍યો અને મોટી સંખ્‍યામાં લોકો દાઝી ગયા હતા.

દુર્ગા પૂજા પંડાલની પાછળ તળાવ હતું. લોકોને રસ્‍તા તરફ ભાગવા માટે ફક્‍ત એક જ રસ્‍તો હતો. મોડી રાતે તળાવમાં પણ તરવૈયાઓની મદદ લઈ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભદોહી જિલ્લા અધિકારી ગૌરાંગ રાઠીએ જણાવ્‍યું હતું કે, આ દુર્ઘટનામાં ૧૨ વર્ષિય અંકુશ સોની અને ૪૫ વર્ષિય જયા દેવી નામની મહિલાનું મોત થઈ ગયું છે. કુલ ૬૪ લોકો ચપેટમાં આવી ગયા છે. ૪૨ લોકોની સારવાર વારાણસીમાં અને ચારને પ્રયાગરાજ તથા અન્‍યને ભદોહીની અલગ અલગ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. અપર જિલ્લા અધિકારીની અધ્‍યક્ષતામાં તપાસ હેતું એસઆઈટી ટીમનું ગઠન કર્યું હતું. જે આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે. તપાસ ટીમને પંડાલમાં હૈલોઝનની પાસે આગના પુરાવા મળ્‍યા છે. આગ ક્‍યા કારણોસર લાગી તેની તપાસ થઈ રહી છે. ડીએમે કહ્યું કે, જે પણ દોષિત હશે, તેના પર આકરી કાર્યવાહી થશે.

(10:47 am IST)