Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

૩૧૧માંથી BJPએ જીતી ૨૮૧ સીટ : ત્રણ દાયકા બાદ મુલાયમ પરિવારનું વર્ચસ્વ સમાપ્ત

ઉત્તરપ્રદેશ સહકારી ચૂંટણીમાં કેસરિયો

લખનઉ તા. ૩ : ઉત્તર પ્રદેશમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ જશ્નનો સમય છે કારણ કે અહીં પાર્ટી અને તેના સમર્થિત ઉમેદવારોએ ઉત્તર પ્રદેશ સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં ૩૧૧માંથી ૨૮૧ સીટ જીતી લીધી છે. ત્રણ દાયકા બાદ થયું છે, જયારે સહકારી ભૂમિ વિકાસ બેન્કોથી મુલાયમ સિંહ યાદવના પરિવારનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું છે.

મંગળવારે સહકારી ભૂમિ બેન્કોની ચૂંટણીમાં મતદાન થયું હતું. આ ચૂંટણીમાં વિપક્ષના રૂમાં સમાજવાદી પાર્ટી ચૂંટાઇને આવી છે. પરંતુ એસપીને માત્ર કેટલીક સીટો મળી છે.

ચૂંટણી કમિશનર પી.કે.મોહંતીએ કહ્યુ કે, ફરિયાદોને કારણે ૧૧ જગ્યા પર ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી હતી. આ ઐતિહાસિક જીતને લઈને ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે વિપક્ષી ઉમેદવારોમાં ચૂંટણી લડવાની હિંમત નહતી. તો વિપક્ષે કહ્યું કે, રાજયની મશીનરીને ચૂંટણીમાં હાઇજેક કરી લેવામાં આવી હતી.

કોંગ્રેસ ગાંધી પરિવારની પરંપરાગત સીટ અમેઠીના જગદીશપુરમાં જ જીત મેળવી શકી, જયાં રાહુલ ગાંધી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની સામે હારી ગયા હતા. વિપક્ષી દળો દ્વારા જીતવામાં આવેલી અન્ય પ્રતિષ્ઠિત સીટોમાં વારાણસી, બલિયા, ગાજીપર અને ઇટાવા છે.

૨૦૦૫થી ત્રણવાર બેન્કના અધ્યક્ષ રહી ચુકેલા પ્રગતિવાદી સમાજવાદી પાર્ટી લોહિયાના અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યુ કે, ભાજપ સરકારે નિયમોમાં ફેરફાર કર્યો, જેથી તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા.

શિવપાલે કહ્યુ કે, અધ્યક્ષ પદ માટે બે વારથી વધુ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. તેમણે આ નિયમને લોકશાહીની વિરૂદ્ઘમાં ગણાવ્યો. તેમણે ઈશારામાં કહ્યું કે, જો આ નિયમ ન આવત તો તેમને આ વખતે પણ જીત મળત.

(3:53 pm IST)