Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મમતા બેનર્જીને થયેલી ઇજાનો ભાંડો ફૂટયોઃ વિડીયો પગ હિલોળા લેતો જોવા મળ્યો

ભાજપના પ્રવકતાએ વિડીયો જારી કરી મમતાને ભીડવ્યા

કોલકત્તા તા. ૩ : પશ્ચિમ બંગાળમાં અત્યારે વિધાનસભાની ચૂંટણીઓના દિવસે રાજકીય ગરમાવો તીવ્ર છે. ચૂંટણીના થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી  કે જેઓ ઉમેદવારી નોંધાવવા નંદિગ્રામ ગયા હતા, તેમને પગમાં ઈજા થઈ હતી. ઘણા દિવસોથી આ ઈજાને લઈને બંગાળથી નવી દિલ્હી સુધી રાજકારણ ચાલતું રહ્યું. મમતા બેનર્જીએ સ્પષ્ટપણે આને પોતાના પર હુમલો ગણાવ્યો હતો અને ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં તપાસ બાદ ચૂંટણી પંચે તેને માત્ર એક અકસ્માત ગણાવ્યો હતો. દરમિયાન શુક્રવારે ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ એક વિડીયો શેર કર્યો હતો અને મમતાની ઈજા અંગે કટાક્ષ કર્યો હતો.

ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ એક વિડીયો શેર કર્યો છે અને મમતાની ઈજા અંગે કટાક્ષ કર્યો છે. વિડીયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને સંબિત પાત્રાએ લખ્યું છે – 'બીચારા પગ હલી હલીને જણાવી રહ્યા છે કે તેઓ કેટલી પીડામાં છે.' વાત એમ છે કે આ વિડીયોમાં મમતા બેનર્જી વ્હીલચેર પર બેઠેલા છે અને તેમના ઘાયલ પગને વારંવાર હલાવતા જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે નંદીગ્રામમાં ટીએમસી કાર્યકરોની બેઠક દરમિયાનનો આ વિડીયો છે. બેઠકમાં કાર્યકરો સાથે વાત કરતા મમતા બેનર્જી પોતાનો પગ હલાવી રહી છે જેને પાટો બાંધવામાં આવેલો છે.

નોંધપાત્ર વાત એ છે કે નંદિગ્રામમાં ઘાયલ થયા પછી મમતા બેનર્જીને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમના પગ પર પ્લાસ્ટર લગાડવામાં આવ્યું હતું અને માત્ર ત્રણ દિવસ પછી, તેમના પગમાં પ્લાસ્ટરની જગ્યાએ પાટો દેખાવા લાગ્યો હતો. તે પછી મમતા બેનર્જી વ્હીલચેર પર બેસીને રાજયભરમાં ચૂંટણી પ્રચાર, રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે આને મમતાનો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો હતો. બંને પક્ષના નેતાઓએ કહ્યું કે મમતા સહાનુભૂતિની લહેર પર સવારી કરીને ચૂંટણી જીતવા માંગે છે.

આ અગાઉ ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ મમતા બેનર્જીના પગમાં થયેલી ઈજાને લઇને કટાક્ષ કર્યો હતો. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધિર રંજન ચૌધરી અને ભાજપના બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયએ તેને મમતાની નૌટંકી ગણાવી હતી. અધિર રંજને કહ્યું હતું કે મમતા નાટકો કરવામાં પારંગત છે, પરંતુ આ વખતે જનતા તેમની જાળમાં નહીં આવે. ભાજપના સાંસદ અને ભોજપુરી અભિનેતા રવિ કિશને પણ ત્રણ દિવસમાં પ્લાસ્ટર કટ થવા અંગે સવાલ ઉઠાવ્યા હતા.

(10:14 am IST)