Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

દિલ્હી પેટા ચૂંટણીમાં 'આપ'નો દબદબોઃ બીજેપીનો સફાયો

૧ સીટ કોંગ્રેસને મળીઃ આપ કાર્યકર્તાઓએ લગાવ્યા નારા 'હો ગયા કામ જયશ્રી રામ'

નવી દિલ્હી, તા.૩: આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને પાંચમાંથી ચાર વોર્ડમાં જીત હાંસલ કરી છે, જયારે એક સીટ કોંગ્રેસનાં ખાતામાં ગઈ છે અને બીજેપીનું ખાતુ નથી ખુલી શકયું.

દિલ્હી નગર નિગમ (એમસીડી)ની પેટા ચૂટણીનુ રિઝલ્ટ આવી ગયું છે. આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા પાંચમાંથી ચાર વોર્ડમાં જીત મેળવી લીધી છે, જયારે એક સીટ કોંગ્રેસનાં ખાતામાં ગઈ છે. બીજેપીનું ખાતુ નથી ખુલી શકયુ. આ જીત બાદ આપ કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનો શરુ કરી દીધો છે. કાર્યકર્તાઓ નારા લગાવી રહ્યાં છે કે, હો ગયા કામ, જય શ્રી રામ.

શાલીમાર બાગ વોર્ડમાંથી આપ ઉમેદવાર સુનીતા મિશ્રાએ ૨૭૦૫ વોટથી જીત હાંસલ કરી છે. તેમને કુલ ૯૭૬૪ વોટ મળ્યા. જયારે બીજેપીનાં ઉમેદવાર સુરભી જીજુને ૭૦૫૯ વોટ મળ્યા. ત્રિલોકપુરી વોર્ડનાં આપ ઉમેદવાર વિજયકુમારે ૪૯૮૬ વોટથી જીત મેળવી તેમને ૧૨૮૪૫ વોટ મળ્યા જયારે બીજેપીનાં ઉમેદવારને ૭૮૫૯ વોટ મળ્યા. કલ્યાણપુરીમાં આપ ઉમેદવાર ધીરેન્દ્રકુમારને ૧૪૩૦૨ વોટ મળ્યા જયારે બીજેપી ઉમેદવારને ૭૨૫૯ વોટ મળ્યા. સાથે સાથે રોહિણીથી આપનાં ઉમેદવારે જીત હાંસલ કરી છે. ચૌહાણ બાંગર વોર્ડથી કોંગ્રેસ ઉમેદવાર જુબેર એહમદે ૧૦૬૪૨ વોટથી જીત હાંસલ કરી છે. તેને ૧૬૨૦૩ વોટ મળ્યા છે.

જે વોર્ડમાં આપની જીત થઈ છે, તેમાં કલ્યાણપુરી અને ત્રિલોકપુરી અનુસુચિત જાતિ વોટર્સથી પ્રભાવિત છે. શાલીમાર બાગમાં ઝુપડપટ્ટીનાં વોટર્સ વધારે છે. જયારે રોહિણીની વોર્ડમાં અનધિકૃત કોલોનીનાં વોટર્સે પોતાની પસંદ આમ આદમી પાર્ટી પર દેખાડી. આપને મોટો ફટકો નોર્થ ઈસ્ટ દિલ્હીનાં ચૌહાણ બાંગર સીટ પર મળ્યો છે. મુસ્લિમ બહુલ ચૌહાણ બાંગર સીટ પર આપનાં ઉમેદવાર અને પૂર્વ વિધાયક હાજી ઇશરાક ૧૦૬૪૨ વોટોથી ચૂંટણી હારી ગયા છે. તેમને કોંગ્રેસનાં મોહમ્મદ જુબેરે હરાવ્યો છે જે પૂર્વ વિધાયક ચૌધરી મતીન એહમદનાં દીકરા છે. ગત વર્ષે આ વિસ્તારમાં રમખાણ થયા હતા અને ત્યારબાદ મુસ્લિમ વોટર આમ આદમી પાર્ટી સરકારથી નારાજ થયા હતા.

એમસીડી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૪૬.૧૦ ટકા વોટ મળ્યા છે જયારે બીજા ક્રમાંકે ભારતીય જનતા પાર્ટીને ૨૭.૨૯ ટકા વોટ મળ્યા છે. ત્રીજા ક્રમાંકે કોંગ્રેસને ૨૧.૮૪ ટકા વોટ મળ્યા છે. જયારે બહુજન સમાજ પાટીને ૨.૫૦ ટકા વોટ મળ્યા. તેવી રીતે અપક્ષને ૧.૬૪ ટકા વોટ મળ્યા તો નોટા પર પણ ૦.૬૩ ટકા વોટ મળ્યા છે. આપની જીત પર ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, એમએસસડી પેટાચૂંટણીમાં ૫માંથી ૪ સીટો પર જીત મેળવ્યા પર આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓને અભિનંદન. બીજેપીનાં શાસનથી દિલ્હીની જનતા હવે દુખી થઈ ચૂકી છે. આગામી વર્ષે થનાર એમસીડી ચૂંટણીમાં જનતા અરવિંદ કેજરીવાલની ઇમાનદાર અને કામ કરવાવાળી રાજનીતિને લઈ આગળ વધશે.

(3:51 pm IST)