Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પતિની સાથે રહેવા મજબુર કરી ન શકાયઃ સુપ્રિમ કોર્ટ

પતિની ગુલામ કે સંપતિ નથી પત્નિ

નવી દિલ્હી, તા.૩: સુપ્રિમ કોર્ટે ગઇકાલે એક સુનાવણી દરમ્યાન કહ્યું કે પત્નિ પોતાના પતિની ગુલામ અથવા સંપતિ નથી હોતી જેને પતિ સાથે જબરદસ્તી રહેવાનું કહી શકાય. કોર્ટે આ બયાન એક એવા કેસની સુનાવણી દરમ્યાન કર્યુ જેમાં પતિએ અરજ કરીને પોતાની પત્નિને સાથે રહેવાનો આદેશ આપવાની માંગણી કરી હતી.

સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ સંજય કિશન અને હેમંત ગુપ્તાએ કહ્યું, 'તમને શું લાગે છે? શું એક મહિલા ગુલામ કે સંપતિ છે કે અમે તેને આદેશ આપીએ? સમગ્ર વિવાદના મૂળમાં ગોરખપુરની ફેમેલી કોર્ટે હિંદુ વિવાહ એકટના સેકશન ૯ હેઠળ પતિના હકમાં આપેલો એક આદેશ છે.

આ કેસની વિગતો જોઇએ તો પત્નિનો દાવો હતો કે ૨૦૧૩માં તેના લગ્ન પછીથી તેના પતિએ દહેજ માટે તેને પ્રતાડિત કરવાનું શરૂ કરી દીધું હતું. ૨૦૧૫માં મહિલાએ ગોરખપુર કોર્ટમાં અરજી કરીને પતિ પાસેથી ભરણપોષણની માંગણી કરી હતી. કોર્ટે પતિને ૨૦ હજાર રૂપિયા દર મહિને પત્નિને આપવાનો આદેશ કર્યો હતો. ત્યારપછી પતિએ કોર્ટમાં દાંપતિક અધિકારો માટે પોતાની અરજી કોર્ટમાં કરી હતી.

ગોરખપુરની ફેમેલી કોર્ટના આદેશ પછી પતિએ હાઇકોર્ટમાં અરજી કરીને ભરણપોષણ ચુકવવા પર પ્રશ્ન ઉઠાવીને કહ્યું કે જયારે તે પોતાની પત્નિ સાથે રહેવા તૈયાર છે ત્યારે ભરણપોષણની જરૂર જ કયાં છે. અલ્હાબાદ હાઇકોર્ટે તેની અરજી ફગાવી દેતા તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રિમમાં મહિલાએ દલીલ કરી કે તેનો પતિ આ ખેલ ભરણપોષણ ન ચુકવવું પડે એટલા માટે કરે છે. મહિલાના વકીલે કોર્ટને એમ પણ કહ્યું કે પતિ ફેમીલી કોર્ટમાં પણ ત્યારે જ ગયો હતો જયારે તેને ભરણપોષણ ચૂકવવાનો આદેશ અપાયો.

(12:31 pm IST)