Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

Amazon પ્રાઈમ વીડિયોએ તાંડવઃ સિરીઝ માટે બિનશરતી માફી માંગી

દર્શકોને વાંધાજનક લાગે તેવા દ્રશ્ય પહેલાથી જ હટાવી દીધા

મુંબઈ :Amazon  પ્રાઈમ વીડિયોએ  તેના શો Tandav માટે બિનશરતી માફી માંગી હતી અને કહ્યું હતું કે દર્શકો દ્વારા વાંધાજનક લાગે તેવા દ્રશ્ય પહેલાથી જ હટાવી દીધા છે. સૈફ અલી ખાન અને મોહમ્મદ ઝીશાન અયુબ અભિનીત સિરીઝના વિવિધ દ્રશ્યોને લઈને ઘણો વિવાદ થયો હતો અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ શોના લીધે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ અંગે અનેક એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

Amazon  પ્રાઇમ વીડિયોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “એમેઝોન પ્રાઈમ વીડિયોને ખૂબ જ દુ:ખ છે કે હાલમાં જ આવેલી કાલ્પનિક સિરીઝ તાંડવના કેટલાક દ્રશ્યો દર્શકોને આપત્તિ જનક લાગ્યાં હતા. કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી. તેના વિશે જાણ્યા બાદ વાંધાજનક દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા હતા અથવા સંપાદિત કરવામાં આવ્યા હતા. અમે અમારા દર્શકોની આસ્થાઓનું સન્માન કરીએ છીએ અને જે દર્શકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે તેમની બિનશરતી માફી માંગીએ છીએ

કંપનીએ જણાવ્યું હતું કે, “અમારી ટીમ કંપનીની વિષય મૂલ્યાંકન પદ્ધતિઓનું અનુકરણ કરે છે અને અમે માનીએ છીએ કે પ્રેક્ષકોને સારી રીતે સેવા આપવા માટે આ પદ્ધતિઓનું સમયાંતરે આધુનિકરણ જરૂરી છે. અમે ભારતીય કાયદાઓનું પાલન કરતા અમારા દર્શકોની સંસ્કૃતિ અને આસ્થાઓનું સન્માન કરીએ છીએ. અમે અમારા સહયોગી સાથે વધુ મનોરંજક વિષયો વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Tandav  શોને લઇને Amazon  પ્રાઇમ વિડીયોએ દેશના અનેક રાજ્યોમાં પોલીસ ફરિયાદો અને કોર્ટના કેસનો સામનો કરવો પડ્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમાં હિન્દુ દેવી-દેવતાઓને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા હતા અને ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચડવામાં આવી છે. જેની ભાજપના ધારાસભ્યોએ પણ ટીકા કરી હતી.

(12:10 am IST)