Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અંડર ૧૯ વિજેતા બનેલી ટીમ ઇન્ડિયા પર નાણાનો વરસાદ

તમામ ખેલાડીને ૩૦-૩૦ લાખ રૂપિયા મળશે : ભારતીય અંડર-૧૯ કોચ દ્રવિડને ૫૦ લાખ આપવાની બોર્ડની જાહેરાત : સપોર્ટ સ્ટાફને ૨૦-૨૦ લાખ મળશે

માઉન્ટ,તા. ૩ :  આઈસીસી અન્ડર-૧૯ વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારતે આજે ઓસ્ટ્રેલિયા પર આઠ વિકેટે જીત મેળવીને ચોથી વખત તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ભવ્ય જીત મેળવીને ચોથી વખત અંડર -૧૯ વર્લ્ડ કપનો તાજ જીતી લીધા બાદ ભારતીય ટીમ પર નાણાંનો વરસાદ શરૂ થઇ ગયો હતો. આ જીતની સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પોતાના તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ પર ઇનામનો વરસાદ કર્યો હતો. તમામ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ખેલાડીઓ પર નાણાંનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમ અપરાજિત રહી હતી. આ જીત બાદ બોર્ડે અંડર-૧૯ ટીમના કોચ અને ધ વોલ તરીકે ભુતકાળમાં જાણીતા રહેલા ખેલાડી રાહુલ દ્રવિડને ૫૦ લાખ રૂપિયાનુ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. સાથે સાથે દરેક ખેલાડીને ૩૦ -૩૦ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. ક્રિકેટ બોર્ડે સપોર્ટ સ્ટાફને ૨૦-૨૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જોનાથન મેરલોએ ૭૬ રન કર્યા હતા. ભારત તરફથી પોરેલે, કમલેશ નગરકોટી, શિવાસિંહ અને અનુકુલે બે બે વિકેટ ઝડપી હતી.  ફાઈનલ મેચમાં આજે  ભારતીય ખેલાડીઓએ જોરદાર રમત રમીને તેમની સર્વોપરિતા સાબિત કરી હતી. આજે ફાઇનલ મેચમાં ભારતીય બોલરોની શાનદાર બોલિંગના કારણે શક્તિશાળી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર ૨૧૬ રન જ બનાવી શકી હતી.ભારતે આ પહેલા વર્ષ ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨માં પણ ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી. ભારતીય ખેલાડીએને અન્યો તરફથી પણ હવે ઇનામ મળનાર છે.

(7:30 pm IST)