Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

યુવક-યુવતી ભાઇ-બહેન છે કે નહીં એ જાણવા માટે પોલીસે માગ્યું આધાર કાર્ડ

લખનૌ તા. ૩: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક ઘટનામાં રાતે એક કારમાં જઇ રહેલાં યુવક-યુવતીને રોકીને તેઓ ભાઇ-બહેન છે કે કેમ એ તપાસવા માટે પોલીસે આધાર કાર્ડ માગ્યું હતું. દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી એક વિદ્યાર્થિનીએ પોતાના ભાઇ સાથેનો આ અનુભવ ફેસબુક પર શેર કર્યો છે. વાત એમ હતી કે વીસ જાન્યુઆરીએ રાતે ગાઝિયાબાદમાં એક લગ્ન એટેન્ડ કરીને આ યુવતી અને તેનો ભાઇ પાછાં આવી રહ્યાં હતાં ત્યારે પાછાં ફરતી વખતે રસ્તો ભૂલી ગયાં. સાચો રસ્તો જાણવા કાર એક જગ્યાએ ઉભી રાખીને ગુગલ મેપમાં પોતાનું લોકેશન નાખીને ચેક કરી રહ્યાં હતાં એ જ વખતે પોલીસની ગાડી ત્યાં આવી. એમાંથી સિવિલ ડ્રેસમાં એક વ્યકિત ઉતરી અને તેણે યુવકને કારમાંથી બહાર ખેંચી લીધો. જયારે બન્નેએ સમજાવ્યું કે તેઓ રસ્તો ભૂલી ગયાં છે એટલે મેપમાં રૂટ જોઇ રહ્યાં હતાં ત્યારે સિવિલ પોલીસે તેમના સંબંધો બાબતે શંકા ઉઠાવતાં બન્નેને કહ્યું કે તેમની વચ્ચે એવું કશું નથી જેવું તેઓ ધારે છે. ઇન ફેકટ તેઓ ભાઇ-બહેન છે. જોકે આ વાતના પુરાવા માટે પેલાએ આધાર કાર્ડ માગ્યું અને કહ્યું કે જો એમાં બન્નેના પપ્પાનું નામ એક હશે તો જ તે માનશે કે તેઓ ભાઇ-બહેન છે.

યુવતીએ પોતાની ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે પોલીસની ગાડી ચલાવી રહેલો માણસ કોઇ પોલીસ નહોતો, પરંતુ અન્ય પોલીસોની હાજરી છતાં તે યુવક-યુવતીને પરેશાન કરતો રહ્યો. જયારે બન્નેએ મળીને હંગામો શરૂ કર્યો એટલે બધા ગાડીમાં બેસીને ત્યાંથી જતા રહ્યા. (૭.૪૧)

 

(3:37 pm IST)