Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

યુપીમાં પોલીસની સટાસટીઃ ૪૮ કલાકમાં ૧૫ એન્કાઉન્ટર

યોગી સરકારની ગુંડાગીરી સામે લાલઆંખઃ ૧૦ જિલ્લામાં કાર્યવાહીઃ ૨૪ વોન્ટેડની ધરપકડ

લખનઉ તા. ૩ : યુપીની પોલીસે સપાટો બોલાવતા ૪૮ કલાકમાં ૧૫ એન્કાઉન્ટર કર્યા છે. ૧૦ જિલ્લામાં પોલીસે કરેલી કાર્યવાહીમાં ૨૪ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જયારે એકનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ અથડામણો દરમિયાન પોલીસને વિશાળ માત્રામાં હથિયારો સાથે રોકડા, જવેલરી તેમજ ગાડીઓ પણ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ આ ગુંડાઓ લૂંટીને લાવ્યા હતા.

યુપીના ડીજીપીના જણાવ્યા અનુસાર, વોન્ટેડ આરોપીઓને પકડી તેમને જેલમાં ધકેલી દેવા માટે આ કાર્યવાહી શરુ કરાઈ છે. પકડાયેલા લોકોમાંથી ૮ લોકો પર ૧૫ હજાર રૂપિયાથી માંડીને ૫૦ હજાર રૂપિયા સુધીનું ઈનામ હતું. પોલીસને કાર્યવાહી દરમિયાન સ્વરક્ષણ માટે જ ફાયરિંગ કરવાની સૂચના અપાઈ હતી.

મુઝફફરનગરમાં પોલીસે ઈન્દ્રપાલ નામના એક નામી બદમાશને ઠાર માર્યો હતો. ઈન્દ્રપાલની સામે ૩૩ ક્રિમિનલ કેસો ચાલતા હતા અને તે લાંબા સમયથી ફરાર હતો. તેના માથા પર ૨૫ હજાર રૂપિયાનું ઈનામ હતું, અને તે એ કોન્સ્ટેબલની હત્યા ઉપરાંત પોલીસની ટીમ પર પણ ફાયરિંગ કરી ચૂકયો છે.

યુપી પોલીસે બુધવાર રાતથી આ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં અનેક વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી લેવામાં પોલીસ સફળ રહી હતી. યુપીમાં ગુનાખોરીનું પ્રમાણ દેશની સરેરાશ કરતા ઘણું ઉંચું છે. યોગી આદિત્યનાથની સરકાર બની ત્યારે તેના પર પણ ગુંડાતત્વો સામે કાર્યવાહી કરવા જોરદાર દબાણ હતું. યુપીની ચૂંટણીમાં પણ રાજયને ગુનાખોરીમાંથી મુકત કરવાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.(૨૧.૨૮)

(3:36 pm IST)