Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સ્ટાન્ડર્ડ ડિડકશનથી માત્ર રૂ.પ૮૦૦નો જ ફાયદોઃ હવે રૂ.ર.પ૦ લાખ નહિ પરંતુ રૂ.ર,પપ,૮૦૦ સુધીની વાર્ષિક આવક ટેકસ ફ્રીઃ મેડીકલ અને ટ્રાન્સપોર્ટની ૩૪,ર૦૦નો ફાયદો પરત લઇ લેવાયો છે

જેટલીએ ચતુરાઇથી કરદાતાઓને મામા બનાવ્યા હોવાનો સુરઃ કરદાતાને વાસ્તવિક રૂ.૩પનો જ ફાયદો (૧૧૬૦-૧૧રપ): સમજો આંકડાની માયાજાળઃ વર્ષે પ લાખ સુધીની આવકવાળાએ અગાઉ ૮૦ર૪નો ટેકસ ભરવો પડતો જયારે હવે ૭૮૦૦નો ભરવો પડશેઃ માત્ર રર૪નો ફાયદો

નવી દિલ્હી તા.૩ : નાણામંત્રી અરૂણ જેટલીએ વર્તમાન સરકારનું અંતિમ પુર્ણ બજેટ તાજેતરમાં રજુ કર્યુ હતુ. બજેટ આંકડાઓનો ખેલ છે જેને સમજવાનુ સરળ નથી. જેટલીએ ટેકસ સ્લેબમાં ફેરફાર નથી કર્યો પરંતુ સેસ ૧ ટકો વધારી દીધો છે સાથોસાથ સરકારે સ્ટાન્ડર્ડ ડિડકશન હેઠળ ૪૦,૦૦૦ રૂ.ની છુટ આપી છે પરંતુ અત્યાર સુધી મળતા ટ્રાન્સપોર્ટ અને મેડીકલ અને રીઅમ્બર્સમેન્ટ તથા અન્ય ભથ્થાઓને સમાપ્ત કરી દીધા છે જેને કારણે દર વર્ષે ૧પ,૦૦૦ રૂ. સુધીનો મેડીકલ એલાઉન્સ ટેકસ ફ્રી મળતો હતો સાથોસાથ ટ્રાન્સપોર્ટમાં પણ ૧૯,ર૦૦ રૂ.ની છુટ મળતી હતી. હવે આ બંને છુટને સમાપ્ત કરી દેવામાં આવી છે તો સ્ટાન્ડર્ડ ડિડકશન હેઠળ રૂ.પ૮૦૦ની વધારાની છુટ આપવામાં આવી રહી છે જેને કારણે હવે ર.પ૦ લાખ નહી પરંતુ ર,પપ,૮૦૦ રૂ. સુધીની વાર્ષિક આવક ટેકસ ફ્રી થઇ જશે.

નાણામંત્રીએ બજેટમાં ટેકસના મોરચે મધ્યમવર્ગને કોઇ રાહત આપી નથી. આયકર છુટની સીમામાં કોઇ ફેરફાર નથી કર્યો પરંતુ તેની જગ્યાએ સ્ટાન્ડર્ડ ડિડકશન પાછુ લાવ્યા છે. સ્ટાન્ડર્ડ ડિડકશનથી કરદાતાને રૂ.પ૮૦૦નો ફાયદો થશે કારણ કે ૧૯,ર૦૦નું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પાછુ લેવાયુ છે અને ૧પ૦૦૦ રૂ.ના મેડીકલ એલાઉન્સ પર મળતો ટેકસ બેનીફીટ પણ પાછો ખેંચી લેવાયો છે. આ બંને પરત લઇ લેવાતા હવે તમને સ્ટાન્ડર્ડ ડિડકશનને કારણે પ૮૦૦નો જ ફાયદો થશે. મેડીકલ એલાઉન્સ તરીકે ૧પ૦૦૦ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તરીકે ૧૯,ર૦૦ મળતા હતા આ બંનેનો સરવાળો કરીએ તો ૩૪,ર૦૦ રૂ. થાય. હવે સ્ટાન્ડર્ડ ડિડકશનની ૪૦,૦૦૦ રૂ.ની સીમાથી ઘટાડીએ તો તમને માત્ર પ૮૦૦નો ફાયદો થશે.

જો તમે ર૦ ટકાના સ્લેબમાં આવતા હો તો તમને રૂ.૧૧૬૦નો જ ફાયદો થશે અર્થાત પ૮૦૦ (૪૦,૦૦૦-૩૪,ર૦૦) એટલે કે માત્ર ૧૧૬૦નો ફાયદો. એજયુકેશન સેસ ૩ ટકાથી વધારી ૪ ટકા કરી દેવામાં આવી છે તેથી જો તમારી આવક ૧૦ લાખ રૂપિયા હોય તો તમારે ૧,૧ર,પ૦૦નો ટેકસ ભરવો પડે એટલે કે ૧ ટકો એડીશ્નલ ટેકસ ગણતા રૂ.૧૧રપ થાય. પરિણામે રૂ.૩પ (૧૧૬૦-૧૧રપ)નો જ માત્ર ફાયદો થાય છે.

માની લ્યો કે તમારી વાર્ષિક આવક પ લાખ રૂપિયા છે તો ઇન્કમટેકસને લઇને તે માત્ર રર૪ રૂ.ની બચત કરી શકશે. અગાઉ ૮૦ર૪નો ટેકસ ભરવો પડતો હતો તે હવે ૭૮૦૦ ટેકસ ભરવો પડશે.

(1:25 am IST)