Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પિતાની સંપત્તિ ઉપર પુત્રીઓનો બરાબરનો અધિકાર છે

સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ હિન્દુ ઉત્તરાધિકાર કાયદો બધી જ મહિલાઓ ઉપર લાગુઃ પુત્રી પણ જન્મથી જ હિસ્સેદાર રહેશે અને તેને પણ પુત્ર જેવા જ અધિકાર અને ઉત્તરદાયિત્વ મળશેઃ બે બહેનોની અરજીની સુનાવણી પર સુપ્રિમ કોર્ટે આપ્યો ચુકાદોઃ જેમનો જન્મ ર૦૦પ પહેલા થયો હોય તેમને પણ કાયદાનું રક્ષણ મળશે

નવી દિલ્હી તા.૩ : વર્ષ-ર૦૦પમાં કેન્દ્ર સરકારે હિન્દુ ઉત્તરાધિકાર કાનૂનમાં સંશોધન કરી પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં બરાબરના હક્કની વ્યવસ્થા કરી હતી. હવે સુપ્રિમ કોર્ટે પણ આ મામલે મહોર લગાવી દીધી છે. કેન્દ્ર સરકારની વ્યવસ્થા ઉપર સુપ્રિમ કોર્ટે પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. ગઇકાલે કોર્ટે પોતાના એક ફેંસલામાં સ્પષ્ટ કર્યુ હતુ કે, હિન્દુ ઉત્તરાધિકાર કાનૂન બધી મહિલાઓ ઉપર લાગુ પડે છે. કેન્દ્રનુ કહેવુ હતુ કે જેમનો જન્મ ર૦૦પથી પહેલા થયો હોય તેમને પણ આ કાનૂનનો અધિકાર મળશે. અત્રે એ નોંધનીય છે કે જસ્ટીસ સિકરી અને જસ્ટીસ અશોક ભુષણની બેન્ચે કહ્યુ હતુ કે સંશોધિત કાયદો એ ગેરેંટી આપે છે કે પુત્રી પણ જન્મથી હિસ્સેદાર રહેશે અને તેને પણ એવા જ અધિકાર અને ઉત્તરદાયિત્વ મળશે જેટલા પુત્રને મળે છે.

 

 કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૦૫ના હિંદૂ ઉત્તરાધિકાર કાયદામાં સંશોધન કરીને પૈતૃક સંપત્તિઓમાં દીકરીઓને પણ બરાબર હક્ક દેવાની વ્યવસ્થા કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કાયદા મામલે એક સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ કાયદો બધી જ મહિલાઓ પર લાગુ થાય છે ભલે તેઓ ૨૦૦૫ પહેલા જન્મી હોય.

 

જસ્ટિસ એ.કે. સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, 'સંશોધીત કાયદો ગેરંટી આપે છે કે દીકરી પણ જન્મથી જ પિતાની સંપત્તિમાં બરાબરની ભાગીદાર છે. જે રીતે દીકરાના હક્ક અને ફરજ હોય છે તેમ દીકરીના પણ હક્ક અને ફરજ એક સમાન જ છે. ત્યારે જો કોઈ મહિલા ૨૦૦૫ પહેલા જન્મી છે તેવા આધાર હેઠળ તેમને પોતાના હક્કથી દૂર રાખી શકાય નહીં.'

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદૂ ઉત્ત્।રાધિકાર કાયદો-૨૦૦૫ તેની પહેલાના જૂના તમામ કેસ અને ત્યાર બાદ થયેલા તમામ કેસમાં લાગુ પડે છે. બંચે કહ્યું કે, 'સંયુકત હિંદૂ પરિવારથી જોડાયેલ કાયદો મિતાક્ષરા કાયદાથી સંચાલિત થાય છે. જેમાં સમય સમય પર ઘણો બદલાવ આવ્યો છે.'

તેમણે કહ્યું કે, 'કાયદામાં જે સંશોધન થયું હતું તેનો ઉદ્દેશ્ય દીકરીઓને પણ દીકરા સમાન જ હક્ક આપવાનો હતો. તેથી તે આવા દરેક મામલે લાગુ પડે છે.' સર્વોચ્ચ ન્યાયાલયે આ આદેશ બે બહેનો દ્વારા કરવામાં આવેલ અરજીને આધારે કર્યો છે. આ બંને બહેનો પિતાની સંપત્તિમાં પોતાનો હક્ક ઇચ્છતી હતી પરંતુ ભાઈઓએ તેમને સંપત્તિમાં ભાગ આપવાની ના પાડી હતી. જે બાદ ૨૦૦૨માં તેમણે અદાલતની શરણ લીધી હતી.

ટ્રાયલ કોર્ટે વર્ષ ૨૦૦૭માં તેમની અપીલને એમ કહીને ઠુકરાવી દીધી હતી કે તેમનો જન્મ વર્ષ ૨૦૦૫ પહેલા થયો છે. તેના કારણે તેઓ સમાન અધિકારીના હક્કદાર નથી. જે બાદ હાઈકોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો હતો. જે બાદ બંને બહેનો સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. અને સુપ્રીમ કોર્ટે પોતાનું અવલોકન આપતા હાઈકોર્ટના ચુકાદને પલટાવી નાખ્યો હતો.(૨૧.૧૦)

(12:03 pm IST)