Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ભારતનું જી ૨૦નું પ્રમુખપદઃ સાર્વત્રિક એકત્‍વ- એકતાની ભાવનાને પ્રોત્‍સાહન આપવા માટે કામ કરશે

થીમ છે ‘એક પૃથ્‍વી, એક પરિવાર, એક ભવિષ્‍ય' : આબોહવા, પરિવર્તન, આતંકવાદ અને મહામારી એ એકબીજા સામે લડવાથી નહી પણ સાથે મળીને કામ કરીને ઉકેલી શકાય : આપણે ભારતના અનુભવો, બોધપાઠ અને મોડલ્‍સને અન્‍ય લોકો, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે શકય નમુનાઓ તરીકે રજૂ કરીશું

જી૨૦ના અગાઉના ૧૭ પ્રમુખપદોએ અન્‍ય ઘણાં પરિણામોની સાથે - મેક્રો-ઇકોનોમિક સ્‍થિરતાને સુનિヘતિ કરવા, આંતરરાષ્ટ્રીય કરવેરાને તર્કસંગત બનાવવા, દેશો પરના દેવાના બોજને દૂર કરવા નોંધપાત્ર પરિણામો આપ્‍યાં હતાં. આપણને આ સિદ્ધિઓનો લાભ મળશે અને તેના પર વધુ આગળ વધીશું.

જો કે, જયારે ભારત આ મહત્‍વપૂર્ણ આવરણ ધારણ કરે છે, ત્‍યારે હું મારી જાતને પૂછું છું - શું જી૨૦ હજી પણ આગળ વધી શકે છે? શું આપણે એક મૂળભૂત માનસિકતામાં પરિવર્તન લાવી શકીએ છીએ, જેથી સમગ્ર માનવતાને લાભ મળી શકે? હું માનું છું કે આપણે કરી શકીએ છીએ.

આપણી માનસિકતાઓ આપણા સંજોગો દ્વારા આકાર પામે છે. સમગ્ર ઇતિહાસમાં, માનવતા અછતમાં જીવતી હતી. આપણે મર્યાદિત સંસાધનો માટે લડ્‍યા હતા, કારણ કે આપણું અસ્‍તિત્‍વ અન્‍ય લોકોને તે નકારવા પર આધારિત હતું. સંદ્યર્ષ અને સ્‍પર્ધા - વિચારો, વિચારધારાઓ અને ઓળખો વચ્‍ચે - સામાન્‍ય બની ગઈ.

કમનસીબે, આપણે આજે પણ એ જ એકનો લાભ એ બીજાનું નુકસાનવાળી માનસિકતામાં ફસાયેલા છીએ. જયારે દેશો પ્રદેશ અથવા સંસાધનો પર લડે છે ત્‍યારે આપણે તેને જોઈએ છીએ. જયારે આવશ્‍યક માલના પુરવઠાને હથિયાર બનાવવામાં આવે છે ત્‍યારે આપણે તેને જોઈએ છીએ. અબજો લોકો નબળા રહે છે એમ છતાં જયારે કેટલાક લોકો દ્વારા રસીઓનો સંગ્રહ કરવામાં આવે છે ત્‍યારે આપણે તેને જોઈએ છીએ.

કેટલાક દલીલ કરી શકે છે કે મુકાબલો અને લોભ એ ફક્‍ત માનવ સ્‍વભાવ છે. હું સંમત નથી. જો માનવી સ્‍વાભાવિક રીતે જ સ્‍વાર્થી હોત, તો આપણા સૌની મૂળભૂત એકતાની હિમાયત કરતી આટલી બધી આધ્‍યાત્‍મિક પરંપરાઓની કાયમી અપીલનો શો અર્થ થાત?

આવી જ એક પરંપરા, જે ભારતમાં લોકપ્રિય છે, તે તમામ જીવો અને નિર્જીવ વસ્‍તુઓને પણ, તે જ પાંચ મૂળભૂત તત્‍વોથી બનેલી છે - પૃથ્‍વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પંચ તત્‍વ. આ તત્ત્વ વચ્‍ચે સંવાદિતા - આપણી અંદર અને આપણી વચ્‍ચે - આપણી શારીરિક, સામાજિક અને પર્યાવરણીય સુખાકારી માટે આવશ્‍યક છે.

ભારતનું જી૨૦નું પ્રમુખપદ આ સાર્વત્રિક એકત્‍વ- એકતાની ભાવનાને પ્રોત્‍સાહન આપવા માટે કામ કરશે. આથી અમારી થીમ છે -  ‘ એક પૃથ્‍વી, એક પરિવાર, એક ભવિષ્‍ય'.

આ માત્ર એક સૂત્ર નથી. તે માનવ સંજોગોમાં તાજેતરના ફેરફારોને ધ્‍યાનમાં લે છે, જેની કદર કરવામાં આપણે સામૂહિક રીતે નિષ્‍ફળ ગયા છીએ.

આજે, આપણી પાસે વિશ્વના તમામ લોકોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું ઉત્‍પાદન કરવાનાં માધ્‍યમો છે.

આજે, આપણે આપણાં અસ્‍તિત્‍વ માટે લડવાની જરૂર નથી - આપણો યુગ યુદ્ધનો એક યુગ હોવો જરૂરી નથી. ખરેખર, તે એમ ન જ હોવો જોઈએ!

આજે, આપણે જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ - આબોહવા પરિવર્તન, આતંકવાદ અને મહામારી - તે એકબીજા સામે લડવાથી નહીં, પરંતુ માત્ર સાથે મળીને કામ કરીને ઉકેલી શકાય છે.

સદ્‌ભાગ્‍યે, આજની ટેક્‍નોલોજી આપણને માનવજાતના વ્‍યાપક પાયા પર સમસ્‍યાઓને હાથ ધરવા માટેનાં સાધનો પણ પૂરાં પાડે છે. આજે આપણે જે વિશાળ વર્ચ્‍યુઅલ વર્લ્‍ડ્‍સમાં વસવાટ કરીએ છીએ તે ડિજિટલ તકનીકોની માપનીયતા દર્શાવે છે.

માનવજાતનો છઠ્ઠો ભાગ ધરાવતો તથા ભાષાઓ, ધર્મો, રીતરિવાજો અને માન્‍યતાઓની વિશાળ વિવિધતા સાથે ભારત વિશ્વની એક નાની પ્રતિમા છે.

સામૂહિક નિર્ણય લેવાની સૌથી જૂની-જાણીતી પરંપરાઓ સાથે ભારત લોકશાહીના પાયાના ડીએનએમાં પ્રદાન કરે છે. લોકશાહીની જનની તરીકે, ભારતની રાષ્ટ્રીય સર્વસંમતિ સરમુખત્‍યારશાહી દ્વારા નહીં, પરંતુ લાખો મુક્‍ત અવાજોને એક મધુર સ્‍વરમાં ભેળવીને રચાય છે.

અત્‍યારે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આપણું નાગરિક-કેન્‍દ્રિત શાસન મોડલ આપણા પ્રતિભાશાળી યુવાનોની રચનાત્‍મક પ્રતિભાને પોષવાની સાથે-સાથે આપણા સૌથી વંચિત નાગરિકોની પણ કાળજી લે છે.

આપણે રાષ્ટ્રીય વિકાસને ઉપરથી નીચે શાસનમાં કવાયત નહીં, પરંતુ એના બદલે નાગરિક-સંચાલિત ‘જન આંદોલન' બનાવવાનો પ્રયાસ કર્યો છે.

અમે ખુલ્લી, સર્વસમાવેશક અને આંતર-કાર્યક્ષમ હોય તેવી ડિજિટલ જાહેર ચીજવસ્‍તુઓ ઊભી કરવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આનાથી સામાજિક સુરક્ષા, નાણાકીય સર્વસમાવેશકતા અને ઇલેક્‍ટ્રોનિક ચૂકવણીઓ જેવાં વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પ્રગતિ થઈ છે.

આ બધાં જ કારણોસર, ભારતના અનુભવો સંભવિત વૈશ્વિક ઉકેલો માટે આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે.

આપણાં જી૨૦નાં પ્રમુખપદ દરમિયાન આપણે ભારતના અનુભવો, બોધપાઠ અને મોડલ્‍સને અન્‍ય લોકો, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે, શક્‍ય નમૂનાઓ તરીકે પ્રસ્‍તુત કરીશું.

આપણી જી૨૦ની પ્રાથમિકતાઓને માત્ર આપણા જી-૨૦ ભાગીદારો સાથે જ નહીં, પરંતુ વૈશ્વિક દક્ષિણમાં આપણા સહયાત્રીઓ સાથે પણ પરામર્શ કરીને આકાર આપવામાં આવશે, જેમનો અવાજ ઘણીવાર સાંભળવામાં આવતો નથી.

આપણી પ્રાથમિકતાઓ આપણી ‘આપણી પૃથ્‍વી'ને સાજી કરવા, આપણા ‘એક પરિવાર'ની અંદર સંવાદિતા ઊભી કરવા અને આપણાં ‘એક ભવિષ્‍ય' માટે આશા ઊભી કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે.

આપણા ગ્રહને સાજો કરવા માટે આપણે પ્રકૃતિ પ્રત્‍યે ભારતની ટ્રસ્‍ટીશિપની પરંપરા પર આધારિત સ્‍થાયી અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્‍સાહન આપીશું.

માનવ પરિવારની અંદર સંવાદિતાને પ્રોત્‍સાહન આપવા માટે, આપણે ખોરાક, ખાતરો અને તબીબી ઉત્‍પાદનોના વૈશ્વિક પુરવઠાને રાજનીતિથી મુકત સ્‍વરૂપ આપવાનો પ્રયાસ કરીશું, જેથી ભૌગોલિક-રાજકીય તણાવ માનવતાવાદી કટોકટી તરફ દોરી ન જાય. આપણા પોતાના પરિવારોની જેમ, જેમની જરૂરિયાતો સૌથી મોટી હોય છે, તે હંમેશાં આપણી પ્રથમ ચિંતા હોવી જ જોઈએ.

આપણી ભાવિ પેઢીઓમાં આશાનો સંચાર કરવા માટે આપણે સૌથી શક્‍તિશાળી દેશો વચ્‍ચે સામૂહિક વિનાશનાં શષાો દ્વારા ઊભાં થતાં જોખમોને ઘટાડવા અને વૈશ્વિક સુરક્ષામાં વધારો કરવા પર એક પ્રામાણિક વાતચીતને પ્રોત્‍સાહન આપીશું.

ભારતનો જી-૨૦ એજન્‍ડા સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી, કાર્યલક્ષી અને નિર્ણાયક હશે.

ચાલો આપણે સાથે મળીને ભારતના જી૨૦ પ્રમુખપદને હિલિંગ, હાર્મની અને હોપ- ઉપચાર, સંવાદિતા અને આશાનું પ્રમુખપદ બનાવીએ.

ચાલો આપણે માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણનાં નવાં ઉદાહરણને આકાર આપવા માટે સાથે મળીને કામ કરીએ.

(3:49 pm IST)