Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

અમને ભારતને એક કરવાથી કોઈ રોકી શકશે નહીં: મૈસૂરમાં ભારે વરસાદ વચ્ચે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો હુંકાર

મૈસૂરમાં વરસાદ વચ્ચે લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગરમી હોય, તોફાન હોય, વરસાદ હોય કે ઠંડી, આ યાત્રા અટકવાની નથી. અહિં તમને નફરત કે હિંસા જોવા નહીં મળે, માત્ર પ્રેમ અને ભાઈચારો જોવા મળશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે કર્ણાટકના મૈસૂરમાં ભારે વરસાદ વચ્ચે ભારત જોડો યાત્રા દરમિયાન લોકોને સંબોધતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય દેશ વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલી નફરત સામે ઊભા રહેવાનો છે. તેમણે મુશળધાર વરસાદમાં હજારો લોકોને સંબોધતા પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વિડિયો સાથે તેમણે ટ્વીટ કર્યું કે, “અમને ભારતને એક કરવાથી કોઈ રોકી શકશે નહીં. ભારતનો અવાજ બુલંદ કરતા અમને કોઈ રોકી શકશે નહીં. કન્યાકુમારીથી કાશ્મીર જશે, ભારત જોડો યાત્રાને કોઈ નહીં રોકી શકે.

રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ તેનો વીડિયો શેર કર્યો છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું, “ગાંધી જયંતિની સાંજે મૈસૂરમાં મુશળધાર વરસાદ હોવા છતાં, રાહુલ ગાંધીએ લોકોની વિશાળ ભીડને સંબોધિત કરી. બેરોજગારી અને મોંઘવારી સામે બોલતા દેશને નફરત સામે સંગઠિત કરતી ભારત જોડો યાત્રાને કોઈ શક્તિ રોકી નહીં શકે તેવી સ્પષ્ટ ઘોષણા હતી.

મૈસૂરમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગરમી હોય, તોફાન હોય, વરસાદ હોય કે ઠંડી, આ યાત્રા અટકવાની નથી. અહિં તમને નફરત કે હિંસા જોવા નહીં મળે, માત્ર પ્રેમ અને ભાઈચારો જોવા મળશે. કર્ણાટકમાં ભાજપ સરકાર શું કરી રહી છે તે તમે જાણો છો. ભાજપ અને મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે દરેક વસ્તુ પર 40 ટકા કમિશન લે છે.

આ પહેલા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે સત્તામાં રહેલા લોકો માટે મહાત્મા ગાંધીના વારસાને પકડવું સરળ છે, પરંતુ તેમના પગલે ચાલવું મુશ્કેલ છે. મહાત્મા ગાંધીની હત્યા કરનાર વિચારધારાએ છેલ્લાં આઠ વર્ષમાં અસમાનતા, વિભાજન અને સખત મહેનતથી મેળવેલી સ્વતંત્રતાનો નાશ કર્યો છે, એમ રાહુલે અહીં ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું.

 

(10:57 pm IST)