Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ પણ વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ મોરચો ખોલ્યો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયું હતુઃ

કરાંચીઃ  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયા બાદ તેમના સમર્થકો દેશભરમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. સમર્થકોએ ઘણી જગ્યાએ રાતભર પ્રદર્શન કર્યું હતું. ઈમરાન ખાનના ઘરની બહાર સેંકડો સમર્થકો પણ એકઠા થયા હતા. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ   પણ વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વાસ્તવમાં જજને ધમકી આપવા બદલ ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં આખી રાત ઈમરાન સમર્થકોનો ડ્રામા ચાલુ રહ્યો હતો. ઈમરાનખાન પર આખી રાત ધરપકડની તલવાર લટકી રહી હતી. પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જગ્યાએ જગ્યાએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઈમરાનના સમર્થનમાં તેઓ આખી રાત રસ્તા પર રહ્યાં હતા.

પીટીઆઈ નેતા અસદ ઉમરે શાહબાઝ સરકારને સીધો પડકાર ફેક્યો છે. અસદ ઉમરે સરકારને ઈમરાનની ધરપકડ ના કરવાની ચેતવણી આપી છે. ઇમરાન સરકારમાં માહિતી મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ વોરંટના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ઈમરાનખાન વિરુદ્ધ કોઈપણ આધાર વગર ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઈમરાનના સમર્થકોના હંગામા વચ્ચે પોલીસ પણ સતર્ક બની ગઈ છે. કોઈપણ પ્રકારનું વાતાવરણ ન બગડે તે માટે પોલીસે ઘણી જગ્યાએ નાકાબંધી કરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

વોરંટ જાહેર થયા બાદ પીટીઆઈના નેતા અસદ ઉમરે સરકારને ઈમરાન ખાનની ધરપકડ ના કરવા ચેતવણી આપતા કહ્યું કે શાહબાઝ સરકાર પોતાના નિર્ણય પર પસ્તાવો કરશે. દરમિયાન પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે આવા નબળા કેસમાં વોરંટ જાહેર કરવું અર્થહીન છે. તેણે ટ્વિટર પર લખ્યું કે મીડિયામાં પાયાવિહોણા કાયદાકીય કલમો પર વોરંટ જાહેર કરીને અને એક મૂર્ખામીભર્યો કેસ બનાવીને સર્કસ બનાવવામાં આવ્યું છે, જેની જરૂર નહોતી.

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા શિબલી ફરાઝે દાવો કર્યો છે કે ઈમરાન ખાન ક્યાંય ભાગ્યા નથી. અગાઉ એવી અફવા હતી કે ઈમરાન ખાન પોતાનું નિવાસસ્થાન છોડીને કોઈ અજાણી જગ્યાએ ચાલ્યા ગયા છે. આ દાવાને રદિયો આપતા તેણે ઈમરાન ખાનની એક તસવીર શેર કરી હતી, જેમાં તે પોતાના ઘરે કૂતરાઓને ખવડાવતો જોવા મળ્યો હતો. શિબલીએ લખ્યું કે ઈમરાન ખાન આ સમયે કૂતરાઓને ખવડાવી રહ્યા છે, જ્યારે એવા અહેવાલો છે કે પોલીસ તેમની ધરપકડ કરવા માંગે છે.

મારગલ્લા પોલીસ સ્ટેશનના મેજિસ્ટ્રેટે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ઈમરાન ખાન પર 20 ઓગસ્ટના રોજ તેમના એક ભાષણમાં મહિલા ન્યાયાધીશને ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા ન્યાયાધીશ જેબા ચૌધરીએ ઈમરાનના ખાસ અને રાજકીય સલાહકાર શાહબાઝ ગીલને જેલમાં મોકલી આપ્યો હતો. જે બાદ ઈમરાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે જ્યારે તેમની સરકાર આવશે ત્યારે તેઓ જજ વિરુદ્ધ કાર્યવાહી કરશે. ઈમરાન વિરુદ્ધ PPC 506, 504, 189 અને 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

(2:00 pm IST)