Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અમેરિકામાં ઈપીએની અમુક શક્તિઓ પર પ્રતિબંધ લદાયો

અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : સુપ્રીમે જળવાયુ પરિવર્તન સામેની લડાઈને આંચકો આપ્યો

વોશિંગ્ટન, તા.૨ ઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણયમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવા માટે અમેરિકી પર્યાવરણ સંરક્ષણ એજન્સી (ઈપીએ)ની અમુક શક્તિઓ પ્રતિબંધિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડનની જળવાયુ યોજનાઓ માટે મોટા આંચકા સમાન છે.

રિપબ્લિકન નેતૃત્વવાળા રાજ્યો અને દેશની કેટલીક સૌથી મોટી કોલસા કંપનીઓ તરફથી વેસ્ટ વર્જિનિયા દ્વારા ઈપીએ સામે અરજી કરવામાં આવી હતી. અરજીમાં એવો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો કે, એજન્સી પાસે સમગ્ર પ્રાંતોમાં ઉત્સર્જનને સીમિત કરવાનો અધિકાર નથી. 

સુપ્રીમ કોર્ટે જળવાયુ પરિવર્તન સામેની લડાઈને જોરદાર આંચકો આપવાની સાથે એવો સવાલ કર્યો હતો કે, વીજ સંયંત્રોમાંથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટાડવા માટે દેશના મુખ્ય વાયુ પ્રદૂષણ કાયદાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સ્વચ્છ વાયુ અધિનિયમ પર્યાવરણ સંરક્ષણ એજન્સીને વીજ સંયંત્રોમાંથી ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને નિયંત્રિત કરવાનો વ્યાપક અધિકાર નથી આપતો.

કોર્ટનો આ નિર્ણય જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટેની બાઈડન પ્રશાસનની યોજનાઓ માટે મુશ્કેલરૃપ બની શકે છે. વીજ સંયંત્રોના ઉત્સર્જનને નિયંત્રિત કરવા અંગેનો પ્રસ્તાવ વર્ષના અંત સુધીમાં અપેક્ષિત છે. બાઈડને આ દશકાના અંત સુધીમાં દેશના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને અડધું કરવાનો અને ૨૦૩૫ સુધીમાં ઉત્સર્જનમુક્ત ઉર્જા ક્ષેત્ર બનવાનો સંકલ્પ લીધો છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટનો નિર્ણય પર્યાવરણ સંરક્ષણ એજન્સીની વીજ સંયંત્રો દ્વારા થતા જળવાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાની ક્ષમતાને સીમિત કરે છે. ઉપરાંત એવો સંકેત પણ આપે છે કે, કોર્ટ તેલ, ગેસ અને કોલસા દ્વારા ઉત્સર્જિત જળવાયુને નુકસાન પહોંચાડનારા ધુમાડાને સીમિત કરવાના બાઈડન અને સંઘીય એજન્સીઓના અન્ય પ્રયત્નોને અવરોધિત કરવા માટે પણ તૈયાર છે.

(8:32 pm IST)