Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

એકનાથ શિંદે સામે મોટી કાર્યવાહી :શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટીના નેતા પદ પરથી હટાવી દીધા

શિંદે પર 39 ધારાસભ્યો સાથે પાર્ટીમાં બળવો કરવાનો અને પછી પાર્ટીને કબજે કરવાનું કાવતરું ઘડવાનો આરોપ

મુંબઈ : એકનાથ શિંદે મુખ્યમંત્રી બનતાની સાથે તેમના પર મોટી કાર્યવાહી કરતા શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને પાર્ટીના નેતા પદ પરથી હટાવી દીધા છે. ઉદ્ધવ ઠાકરેએ  પક્ષ વિરોધી પગલાં લેવાનો આરોપ લગાવીને આ કાર્યવાહી કરી છે. શિંદે પર પાર્ટી વિરુદ્ધ બળવો કરવાનો આરોપ છે. તેમના પર 39 ધારાસભ્યો સાથે પાર્ટીમાં બળવો કરવાનો અને પછી પાર્ટીને કબજે કરવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. કાર્યવાહી અંગેનો પત્ર પણ એકનાથ શિંદેને મોકલવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે, ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે શિવસેનાને બહાર રાખીને તથાકથિત શિવસેનાના સીએમ ન બની શકે અને સાંજે ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લીધો.

શિંદે જૂથના પ્રવક્તાએ આ કાર્યવાહી વિશે કહ્યું કે એકનાથ શિંદે આ સમયે મહારાષ્ટ્રના નેતા બની ગયા છે. તેમના પર કરવામાં આવેલી આ કાર્યવાહીથી કોઈ ફરક પડતો નથી. દીપક કેસરકર ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણય સામે વધુ કંઈ બોલવા માટે સંમત ન હતા. તેમનું કહેવું છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેનું સન્માન કરે છે, તેથી તેમની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપે.

(12:23 am IST)