Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

રાહુલે મસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ ગણાવતા રાજકીય ધમાસાણ તેજ

અમેરિકાના પ્રવાસમાં રાહુલનું વિવાદાસ્પદ નિવેદન:ભારતના ધાર્મિક આધાર પર ભાગલા માટે જવાબદાર પાર્ટીને રાહુલ સેક્યુલર પાર્ટી ગણાવી રહ્યા હોવાનો ભાજપનો આક્ષેપ

વોશિંગ્ટન, તા.૨:પોતાની અમેરિકા યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રોજે રોજ એવા નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે ભારતના રાજકીય મોરચે ખળભળાટ મચી રહ્યો છે. વોશિંગટનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ એટલે કે સેક્યુલર ગણાવી છે. અમેરિકાની પ્રેસ ક્લબમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યુ હતુ કે, કેરાલામાં તો ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે તમારુ ગઠબંધન છે ને? શું આ પાર્ટી સેક્યુલર છે? તો રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યુ હતુ કે, મુસ્લિમ સંપૂર્ણપણે બિન સાંપ્રદાયિક છે અને મુસ્લિમ લીગને લઈને કશું સાંપ્રદાયિક નથી.

ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ લીગ કેરાલાનો રાજકીય પક્ષ છે અને તે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠબંધનમાં સાથીદાર છે.

જોકે રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા  નિવેદન બાદ ભાજપે તેનો જોરદાર વિરોધ કર્યો છે. ભાજપના નેતા અમીત માલવિયએ કહ્યુ હતુ કે, ભારતના ધાર્મિક આધાર પર ભાગલા માટે જવાબદાર પાર્ટીને રાહુલ ગાંધી સેક્યુલર પાર્ટી ગણાવી રહ્યા છે. રાહુલ ગાંધી ઓછુ ભણેલા તો છે જ પણ તે કપટી પણ છે. વાયનાડમાં સાંસદ તરીકે ચાલુ રહેવા માટે રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને બિન સાંપ્રદાયિક પાર્ટી કહેવી પડે છે. આ રાહુલ ગાંધીની મજબૂરી છે.  બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતનુ કહેવુ છે કે, ભાજપના પ્રવક્તા ભણેલા લાગતા નથી...જિન્નાવાળી મુસ્લિમ લીગ અને કેરાલાની મુસ્લિમ લીગમાં તેમને ફરક નથી દેખાતો. જિન્નાવાળી મુસ્લિમ લીગ તો એ છે જેની સાથે ભાજપના નેતઓના પૂર્વજોએ ગઠબંધન કર્યુ હતુ.

(7:49 pm IST)