Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે રાજ ઠાકરે કુણા પડ્યા : કાલના મનસેના મહાઆરતીના કાર્યક્રમો રદ કરાયા

રાજ ઠાકરેએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે ‘લાઉડસ્પીકરનો મુદ્દો ધાર્મિક નથી, પરંતુ સામાજિક મુદ્દો છે. તેથી આ મુદ્દે આગળ શું કરવું તે હું આવતીકાલે ટ્વીટ કરીને જણાવીશ

મુંબઈ :મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે યોજાયેલી ઔરંગાબાદ રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ફરી એકવાર મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 તારીખ પછી પણ જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર  હટાવવામાં નહીં આવે તો 4 તારીખથી MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે બેવડા અવાજમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે. પરંતુ આજે રાજ ઠાકરેએ એક ફેસબુક પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા રમઝાન ઈદ 2022ના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આવતીકાલે રાજ્યભરમાં MNS દ્વારા કરવામાં આવનાર મહા આરતીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

રાજ ઠાકરેએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ‘લાઉડસ્પીકરનો મુદ્દો ધાર્મિક નથી, પરંતુ સામાજિક મુદ્દો છે. તેથી આ મુદ્દે આગળ શું કરવું તે હું આવતીકાલે ટ્વીટ કરીને જણાવીશ. આવી સ્થિતિમાં ચર્ચા એ થઈ રહી છે કે શું રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે યુ-ટર્ન લીધો છે? શું રાજ ઠાકરે આ મુદ્દે બેકફૂટ પર આવ્યા છે? જો હા, તો તેણે અચાનક આવું કેમ કર્યું? આ એવા પ્રશ્નો છે જેના જવાબ તેમણે આપવા પડશે.

 

રાજ ઠાકરેએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું ‘કાલે ઈદ છે. સંભાજીનગર (ઔરંગાબાદ)માં ગઈકાલની મીટિંગમાં મેં કહ્યું છે કે તેઓને આ તહેવાર આનંદથી ઉજવવાની મંજૂરી આપવી જોઈએ. આવતીકાલે અક્ષય તૃતીયા પણ છે. અગાઉ રાજ્યભરમાં મહા આરતી કરવાના હતા તે કાર્યક્રમો રદ કરે. ક્યાંય આરતી ન કરવી. આપણે કોઈના ઉત્સવમાં કોઈ અવરોધ ઉભો કરવો જોઈએ નહીં. લાઉડસ્પીકરનો મુદ્દો સામાજિક છે, ધાર્મિક નથી. આ મુદ્દે આગળ શું કરવું તે હું કાલે મારા ટ્વીટ દ્વારા જણાવીશ.

ઔરંગાબાદની રેલીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે રાજ ઠાકરે ખૂબ જ આક્રમક દેખાયા હતા. તેઓ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે અઝાનનો અવાજ સંભળાયો. રાજ ઠાકરે થોડીવાર થોભ્યા અને તરત જ પોલીસ અધિકારીઓને અઝાન બંધ કરાવવા આગ્રહ કર્યો. કહ્યુ હતું કે, અત્યારેને અત્યારે જાવ અને અઝાન બંધ કરાવો. જો તેઓને સાદી ભાષા ન સમજાતી હોય તો જે થવું હોય તે થવા દો, જો તેઓ માનતા નથી તો મહારાષ્ટ્રની શક્તિ શું છે તે બતાવવું જરૂરી છે.

 

 

(11:19 pm IST)