Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધી: ખાણ-પટ્ટા લીઝ મામલે ચૂંટણી પંચે પાઠવી નોટીસ

ચૂંટણી પંચે મુખ્યમંત્રી હેમંત સોરેનને પોતાનો બચાવ કરવા માટે 10 મે સુધીનો સમય આપ્યો

નવી દિલ્હી :ખાણ લીઝ મામલે ચૂંટણી પંચે મુખ્યમંત્રી હેમંત સોરેનને નોટિસ મોકલી છે. આ નોટિસમાં ચૂંટણી પંચે કહ્યું છે કે ખાણની લીઝ તેમના પક્ષમાં આપવાના બદલામાં તેમની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે, પ્રથમ દૃષ્ટિએ તે લોકપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 9એનું ઉલ્લંઘન હોવાનું જણાય છે.ચૂંટણી પંચે મુખ્યમંત્રી હેમંત સોરેનને પોતાનો બચાવ કરવા માટે 10 મે સુધીનો સમય આપ્યો છે. જાણકારી મુજબ ચૂંટણી પંચે મુખ્યમંત્રી હેમંત સોરેનને આપવામાં આવેલી નોટિસની કોપી રાજભવન અને ભાજપ કાર્યાલયને પણ મોકલી દીધી છે.

રાંચીના અનગઢામાં મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા સ્ટોન ક્વોરી માટે 88 ડિસ્મિલ જમીન લીઝ પર લેવાનો મામલો સામે આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે આ મામલે ખુલાસો કરતા મુખ્યમંત્રીની સાથે ખાણ મંત્રી હોવા છતાં પોતાના નામે ખાણની લીઝ લેવાના મામલાને પદનો દુરુપયોગ ગણાવ્યો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 9 એ ના કાર્યક્ષેત્રમાં આવે છે. આ અંતર્ગત મુખ્યમંત્રી હેમંત સોરેનનું સભ્યપદ રદ કરવું જોઈએ

જેએમએમએ પણ આ મામલે વળતો પ્રહાર કર્યો છે અને દાવો કર્યો છે કે, ખાણ લીઝનો કેસ કલમ 9એના દાયરામાં આવતો નથી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચે મુખ્યમંત્રી હેમંત સોરેનને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવી જોઈએ. હવે ચૂંટણી પંચે નોટિસ જાહેર કરીને મુખ્યમંત્રી હેમંત સોરેનને પોતાનો કેસ રજૂ કરવા માટે 10 મે સુધીનો સમય આપ્યો છે.

 

(10:43 pm IST)