Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ડ્રગ તસ્કર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણેથી ૯૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું

ડ્રગ્સ પેડલરો સામે એટીએસની કડક કાર્યવાહી : ગુજરાત એટીએસે હૈદરના મુઝફ્ફરનગરના ઘર પાસે પાડોશીના ઘરે દરોડો પાડી ૧૫૦ કિલો હેરોઈન જપ્ત કર્યું

નવી દિલ્હી, તા.૨ : ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસએ શાહીન બાગમાંથી પકડાયેલા ડ્રગ તસ્કર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણામાંથી ૧૫૦ કિલોથી વધુ હેરોઈન ઝડપી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ હેરોઈનની કિંમત લગભગ ૯૦૦ કરોડ રૂપિયા છે.

હૈદરની એનસીબીએ શાહીન બાગના એક ઘરમાંથી ધરપકડ કરી હતી. તેના શાહીન બાગના ઘરમાંથી ૩૦૦ કરોડની કિંમતનો

૫૦ કિલો હેરોઈન, ૩૦ લાખ રોકડ અને ૪૭ કિલોના અન્ય નશીલા પદાર્થ મળી આવ્યા છે. ગુજરાત એટીએસએ હૈદરના મુઝફ્ફરનગરના ઘર પાસે પાડોશીના ઘરે દરોડો પાડીને ૧૫૦ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

એનસીબીએ ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં અમે લક્ષ્મી નગરથી હવાલા કારોબારી શમીમની ધરપકડ કરી છે. તે ડ્રગ્સના પૈસા દુબઈમાં શાહિદને મોકલતો હતો. અત્યારસુધી આ સિન્ડિકેટમાં કુલ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ સિન્ડિકેટના તાર દુબઈ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલા છે.

જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું હતું કે, અટારી બોર્ડર અને ગુજરાતમાં જે હેરોઈન મળી આવ્યુ છે તેના પરથી લાગે છે કે, દરેકનો સોર્સ એક જ છે. એટલા માટે અમારી ટીમ ગુજરાત અને અટારી બોર્ડર પરથી ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરશે. અમે જે આરોપી પકડ્યા છે તેમની પૂછપરછ કરવા કસ્ટમની ટીમ આવી છે.

આ પહેલા એનસીબીએ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાંથી ૫૦ કિલો હેરોઈન ઝડપી પાડ્યુ હતું. આ સિવાય ૩૦ લાખ રોકડા, નોટ ગણવાનું મશીન અને અનેક કિલો અન્ય ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ હેરોઈનની કિંમત ૩૦૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનથી ડ્રગ્સનું એક કન્સાઈનમેન્ટ દિલ્હી આવ્યું હતું. ડ્રગ્સના તમામ કન્સાઈનમેન્ટ ફ્લિપકાર્ટના પેકિંગમાં બંધ હતા. આ કેસમાં અત્યાર સુધીમાં ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે આંતરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી આશરે રૂ. ૨૮૦ કરોડની કિંમતનું ૫૬ કિલો ડ્રગ્સ પકડ્યું હતું. આ કાર્યવાહીમાં ૯ પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ ફિશિંગની આડમાં બોટ દ્વારા ડ્રગ્સની સપ્લાય કરતા હતા. મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ પાકિસ્તાનથી લાવવામાં આવી રહ્યું હતું.

 

(8:12 pm IST)