Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો

મોઘવારીમાં પિસાતી પ્રજાને પડ્યા પર પાટું : બેંકે બચત ખાતા-ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યોે, બચત ખાતા પર વ્યાજદરમાં ૦.૧૫ % ઘટાડો

નવી દિલ્હી, તા.૨ : દેશની સામાન્ય જનતા હાલ મોંઘવારીના વિષચક્રમાં દિવસે ને દિવસે પિસાતી જઈ રહી છે. આવકના સંસાધનો મર્યાદિત છે તો ખર્ચમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે તેવામાં આમ જનતા માટે બેંકોમાં પૈસા મુકીને જીવનનિર્વાહ કરવાનું વધુ કપરૃં બની રહ્યું છે. ટોચની સરકારી બેંક બેંક ઓફ ઈન્ડિયાએ ઝટકો આપતા સેવિંગ એકાઉન્ટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.

બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને એક મોટો ઝટકો લાગી શકે છે. બેંકે તેના બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બીઓઆઈએ બચત ખાતા પર વ્યાજદરમાં ૦.૧૫ % ઘટાડો કર્યો છે. બેંકના નવા દર ૧ મે, ૨૦૨૨થી લાગુ થઈ ગયા છે. બચત ખાતામાં ૧ લાખ રૂપિયા સુધીની જમા રકમ હોય તો વ્યાજદરમાં ઘટાડો કર્યો છે જ્યારે ૨ કરોડ રૂપિયાથી ઓછી એફડીના દરમાં સુધારો કર્યો છે.

બેંકની વેબસાઈટ અનુસાર જો કોઈ બચત ખાતા ધારકના બેંક ખાતામાં ૧ લાખ રૂપિયા સુધીનું બેલેન્સ હશે તો તેને હવે માત્ર ૨.૭૫ ટકા વાર્ષિક વ્યાજ મળશે. તે જ સમયે જો બેલેન્સ ૧ લાખ રૂપિયાથી વધુ હોય તો ૨.૯૦%  વાર્ષિક વ્યાજ આપવામાં આવશે. ૧ લાખ રૂપિયા સુધીના બેલેન્સના કિસ્સામાં વ્યાજ દરમાં ૦.૧૫%નો ઘટાડો કરવામાં આવ્યો છે. ૧ લાખથી વધુના બેલેન્સ માટે વ્યાજ દરમાં કોઈ કપાત નથી.

બેંક હવે ૭ થી ૪૫ દિવસની પાકતી મુદત માટે રૂ. ૨ કરોડથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝીટ પર ૨.૮૫% વ્યાજ દર ઓફર કરશે. બેંક ૪૬ દિવસથી ૯૦ દિવસ અને ૯૧ દિવસથી ૧૭૯ દિવસમાં પાકતી થાપણો પર ૩.૮૫% વ્યાજ આપશે. બેંક ઓફ ઈન્ડિયા તરફથી ૧૮૦ દિવસથી ૨૬૯ દિવસ અને ૨૭૦ દિવસમાં એક વર્ષથી ઓછા સમયમાં પાકતી એફડી પર હવે ૪.૩૫ ટકા વ્યાજ મળશે.

૧ વર્ષ અને તેથી વધુ પરંતુ ૨ વર્ષથી ઓછી મુદતમાં પાકતી રૂપિયાની એફડી પર વ્યાજ દર ૫.૦૦ ટકા હશે, જ્યારે ૨ વર્ષ અને તેથી વધુ પરંતુ ૧૦ વર્ષથી ઓછી થાપણો માટે વ્યાજ દર ૫.૨૦ % હશે.

(8:09 pm IST)