Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વિશ્વના બે ખેલાડીઓ નવા ઈન્વેસ્ટર્સ તરીકે સામેલ થયા

રાજસ્થાન રોયલ્સને લઈને મોટા સમાચાર : અમેરીકી ફૂટબોલ દિગ્ગજ લેરી ફિટ્ઝગેરાલ્ડ, બાસ્કેટ બોલ ખેલાડી ક્રિસ પોલ નવા ઈન્વેસ્ટર્સ તરીકે સામેલ થયા

નવી દિલ્હી, તા.૨ : ઈનેડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ (આરઆર)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરીકી ફૂટબોલ (એનએફએલ) દિગ્ગજ લેરી ફિટ્ઝગેરાલ્ડ અને બે વખતના ઓલમ્પિક સુવર્ણ પદક વિજેતા બાસ્કેટબોલ ખેલાડી ક્રિસ પોલ રાજસ્થાન રોયલ્સમાં નવા ઈન્વેસ્ટર્સ તરીકે સામેલ થયા છે.

આ બંને સિવાય એનએફએલ સ્ટાર કેલ્વિન બીચમ પણ આ આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં આંશિક રોકાણકાર છે. આ ટીમ મનોજ બદાલે દ્વારા નિયંત્રિત 'ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સ'ની માલિકીની છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા જારી કરાયેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, રાજસ્થાન રોયલ્સને અમેરિકાના એલીટ એથલીટો ક્રિસ પોલ, લેરી ફિટ્ઝગેરાલ્ડ અને કેલ્વિન બીચમે રોકાણ મેળવ્યું છે. આ ત્રણેય રાજસ્થાન સ્થિત ફ્રેન્ચાઈઝીમાં ઈન્વેસ્ટર્સ તરીકે શામેલ થયા છે. તેમણે આ રોકાણ 'ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સ'ના માધ્યમથી કર્યું છે. જેને સંપૂર્ણપણે મનોજ બડાલે નિયંત્રિત કરે છે. પોલ, ફિટ્ઝગેરાલ્ડ અને બીચમ તેના માઈનોરિટી ઈન્વેસ્ટર બનવા જઈ રહ્યા છે. બીજી તરફ ફિટ્ઝગેરાલ્ડએ કહ્યું કે, મને સ્પષ્ટ સામાજિક ઉદ્દેશ્ય સાથે એક પ્રોફેશનલ ફ્રેન્ચાઈઝી બનાવવાનો વિચાર પસંદ છે. ભારતમાં પ્રખર રમત સંસ્કૃતિ છે અને હું આ દેશની સૌથી વધુ રસ ધરાવતી ટીમોમાંની એકમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છું. નેશનલ બાસ્કેટબોલ પ્લેયર્સ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ક્રિસ પોલ પણ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. 

હાલની આઈપીએલ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ૨૦૦૮ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં નવમાંથી ૬ મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. રાજસ્થાનના આ શાનદાર પ્રદર્શનમાં જોસ બટલર અને યુઝવેન્દ્ર ચહલની મહત્વની ભૂમિકા રહી છે. બટલર ઓરેન્જ કેપ અને ચહલ પર્પલ કેપની રેસમાં હાલમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.

(8:07 pm IST)