Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

GST...નોંધણી કરાવવા કરતાં રદ કરાવવી મુશ્‍કેલ

રજીસ્‍ટ્રેશન રદ કરાવવા વેપારની શરૂઆત કરે ત્‍યારથી બંધ કરે ત્‍યાં સુધીના બધા કાગળો મગાતાં કચવાટ : વેપાર-ધંધો બંધ કરવા માંગતા વેપારીઓ જીએસટી વિભાગના મનસ્‍વી અને અટપટા કાયદાથી ચિંતિત

નવી દિલ્‍હી, તા.૨: જીએસટીમાં રજિસ્‍ટ્રેશન કરાવવા કરતાં રજીસ્‍ટ્રેશન રદ કરાવવાનું મુશ્‍કેલ બન્‍યું છે. નોંધણી રદ કરાવતી વખતે વેપાર શરૂ કર્યો હોય ત્‍યારથી બંધ કરે ત્‍યાં સુધીના તમામ કાગળો, રિટર્ન મગાતા વેપારીઓમાં કચવાટ ઊભો થયો છે.

અત્‍યાર સુધી વેપારીઓ જીએસટી રજીસ્‍ટ્રેશન માટે પરેશાનીનો સામનો કરવો પડે છે તેવી ફરિયાદ કરતા હતા, પરંતુ હવે તો જીએસટી રજીસ્‍ટ્રેશન રદ કરાવવામાં પણ વેપારીઓને પરેશાની વેઠવી પડી રહી છે. જીએસટી રજિસ્‍ટ્રેશન કેન્‍સલ કરવા માટે અરજી કરનારાઓ પાસે ડિપાર્ટમેન્‍ટ જીએસટીનો કાયદો શરૂ થયો ત્‍યારથી વેપાર બંધ કરવાની તારીખ સુધીની માલની ખરીદી, વેચાણ અને આઇટીસી તેમજ સ્‍ટોકપત્રક સહિતની કેટલીક માહિતીઓ ડોક્‍યુમેન્‍ટ સાથે રજૂ કરવાની ફરજ પડાઈ રહી છે. આ સ્‍થિતિમાં વેપારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટના વર્તુળોમાં પણ કચવાટ ઊભો થયો છે.

જીએસટી વિભાગ બોગસ બિલિંગને રોકવા માટે અનેક પ્રકારના કાયદાઓ અમલમાં લાવી રહ્યું છે, તેમ છતાં ભેજાબાજો ડિપાર્ટમેન્‍ટના કાયદાની છટકબારી ઉપયોગ કરી બચી જાય છે. પ્રાથમિક વેપારીઓને કાયદાની કનડગત સહન કરવી પડે છે. ડિપાર્ટમેન્‍ટ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નવા જીએસટી રજીસ્‍ટ્રેશન કરતી વખતે કડકાઈ દાખવવામાં આવી રહી છે, જો કઇ પણ રીતે શંકાસ્‍પદ જણાય તો અરજી રદ કરવામાં આવે છે. રેસિડેન્‍શિયલ સોસાયટીના એડ્રેસ પર કોઈએ વેપાર માટે રજીસ્‍ટ્રેશન માંગ્‍યું હોય તો તેના માટેના કેટલાક પુરાવાઓ આપવા પડ છે.

જીએસટી વિભાગ હવે રજીસ્‍ટ્રેશન આપવા બાબતે સખ્‍ત બન્‍યું છે. એ તો ઠીક પણ હવે ધંધા માટે રજીસ્‍ટ્રેશન રદ કરાવવું હોય તો પણ અઘરું છે. વેપારીઓના જણાવ્‍યાનુસાર રજીસ્‍ટ્રેશન કેન્‍સલ કરવા માટે અરજી કરો તો ડિપાર્ટમેન્‍ટ જીએસટીનો કાયદો આવ્‍યો ત્‍યારથી ધંધો બંધ કરવાની તારીખ સુધી જીએસટીઆર-૩બી અને જીએસટીઆર-૧ ટેક્‍સની જવાબદારીની  વિગતો, ક્‍લેઇમ કરવામાં આવેલા આઇટીસી ૩બી અને રએની વિગતો ડોક્‍યૂમેન્‍ટ સાથે રજૂ કરવા જણાવવામાં આવે છે. વેપારીઓનું કહેવું છે કે પાછલા ચાર વર્ષના તમામ ડેટા ડિપાર્ટમેન્‍ટ પાસે ઓનલાઇન હોવા છતાં વેપારીઓ પાસે માંગી પરેશાન કરવામાં આવે છે. ડિપાર્ટમેન્‍ટ આ બાબતે ઓડિટ પણ કરી શકે છે. આખી સિસ્‍ટમ ઓનલાઈન છે ત્‍યારે ચાર વર્ષના ડોક્‍યુમેન્‍ટ રજૂ કરવા કોઈપણ વેપારી માટે મુશ્‍કેલ કામ છે.(૨૩.૨૦)

વેપાર બંધ કરવો પણ અઘરું બનાવી દીધું

અત્‍યાર સુધી રજીસ્‍ટ્રેશન લેવા માટે અનેક વાંધા રજૂ કરી ડોક્‍યુમેન્‍ટ માંગતા હતા, પરંતુ હવે તો ધધો બંધ કરતી વખતે પણ ટેક્‍સ લાયબિલિટી. ખરીદી વેચાણ અને આઇટીસીની માહિતી માંગી પરેશાન કરાય છે. જે વધુ પડતું છે. હવે વેપાર બંધ કરવો પણ મુશ્‍કેલ બની ગયો છે. વેપારીઓ જીએસટી ડિપાર્ટમેન્‍ટના આવા કાયદાથી પરેશાન થઈ ગયા છે.

                                       સીએ

જીએસટી વિભાગ પાસે વિગતો ઉપલબ્‍ધ છે જ

વેપારીના ખરીદી, વેચાણ અને આઇટીસી તેમજ સ્‍ટોકપત્રક સહિતની મોટા ભાગની માહિતી ડિપાર્ટમેન્‍ટ પાસે ઉપલબ્‍ધ હોય છે તેમ છતાંય ડિપાર્ટમેન્‍ટ દ્વારા વેપાર બંધ કરનારા વેપારી પાસેથી આ પ્રકારની ડિટેલ્‍સ માંગવામાં આવે છે જેથી વેપારીઓને કારણ વગર પરેશાન થવું પડે છે. જીએસટી રજિસ્‍ટ્રેશન લેવા જેટલી જ અઘરી પ્રક્રિયા રજિસ્‍ટ્રેશન કેન્‍સલ કરાવવાની બની ગઈ છે.

                                          સીએ

(4:19 pm IST)