Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજદ્રોહની કલમ 124A ને પડકારતી અરજીનો જવાબ આપવા કેન્દ્ર સરકારે વધુ સમય માંગ્યો : શું આઝાદીના 75 વર્ષ પછી પણ રાજદ્રોહના કાયદાની જરૂર ગણાય ? : સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલ સુધીમાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો : 5 મે ના રોજ સુનાવણી થવાની હતી

ન્યુદિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે ગયા અઠવાડિયે 27 એપ્રિલે સરકારને 30 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં કલમ 124A પડકારનો જવાબ દાખલ કરવા માટે વધુ સમયમાંગ્યો છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી છે જેમાં રાજદ્રોહને અપરાધ ગણાવતી ભારતીય દંડ સંહિતાની કલમ 124A ને પડકારતી અરજીનો જવાબ આપવા માટે સમય વધારવાની માંગ કરવામાં આવી છે. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે જવાબનો ડ્રાફ્ટ તૈયાર છે પરંતુ તે સક્ષમ અધિકારી પાસેથી પુષ્ટિની રાહ જોઈ રહ્યું છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાની આગેવાની હેઠળની અને ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને હિમા કોહલીની બનેલી બેન્ચે ગયા અઠવાડિયે 27 એપ્રિલે સરકારને 30 એપ્રિલ સુધીમાં તેનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે આ કેસને અંતિમ નિકાલ માટે 5 મેના રોજ સૂચિબદ્ધ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જુલાઈ 2021માં આ મામલામાં નોટિસ જારી કરતી વખતે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું આઝાદીના 75 વર્ષ પછી આ કાયદાની જરૂર હતી.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશને આઝાદી મળી તે પહેલા મહાત્મા ગાંધી અને બાલ ગંગાધર તિલક જેવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓનો અવાજ દબાવવા માટે અંગ્રેજો દ્વારા જોગવાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:58 pm IST)