Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થોડો વધારો: એલપીજીનો વપરાશ ઘટ્યો

માર્ચની સરખામણીએ એપ્રિલમાં પેટ્રોલના વેચાણમાં 2.1 ટકાનો વધારો :ડીઝલની માંગ સ્થિર

નવી દિલ્હી : દેશમાં એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો થયો છે જયારે  ઘરેલુ એલપીજી ગે નો વપરાશ ઘટ્યો છે. ઈંધણના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાના કારણે માંગ પર અસર થઈ છે. રવિવારના રોજ ઉદ્યોગના પ્રારંભિક ડેટામાંથી આ માહિતી મળી છે. માર્ચ 2022ની સરખામણીએ એપ્રિલ 2022માં પેટ્રોલના વેચાણમાં 2.1 ટકાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની માંગ લગભગ સપાટ રહી છે. એલપીજીનો વપરાશ, જેની માગ મહામારી દરમિયાન પણ સતત વધી રહી હતી, તેમાં પણ માસિક ધોરણે એપ્રિલમાં 9.1 ટકાનો ઘટાડો થયો છે.

જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ લગભગ સાડા ચાર મહિના સુધી સ્થિર રાખ્યા બાદ 22 માર્ચે પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ 6 એપ્રિલ સુધી 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ 10-10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.

22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં પણ 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ ભાવ વધારાને કારણે વપરાશ ધીમો પડી ગયો છે.

પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ એપ્રિલમાં 2.58 મિલિયન ટન પેટ્રોલનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 20.4 ટકા અને 2019ના સમાન સમયગાળા કરતાં 15.5 ટકા વધુ છે. જો કે, માર્ચ 2022 ની સરખામણીમાં, વપરાશ માત્ર 2.1 ટકા વધુ રહ્યો છે.

દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇંધણ ડીઝલનું વેચાણ વાર્ષિક ધોરણે 13.3 ટકા વધીને લગભગ 66.9 મિલિયન ટન થયું છે. આ એપ્રિલ 2019ના વેચાણ કરતાં 2.1 ટકા વધુ છે, પરંતુ આ વર્ષે માર્ચમાં 6.67 મિલિયન ટન વપરાશ કરતાં માત્ર 0.3 ટકા વધુ છે.

માર્ચના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં અનુક્રમે 18 ટકા અને 23.7 ટકાનો વધારો થયો હતો. માર્ચમાં ડીઝલનું વેચાણ છેલ્લા બે વર્ષમાં કોઈપણ મહિનામાં સૌથી વધુ હતું. એપ્રિલમાં એલપીજીનો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 22 લાખ ટન થયો હતો. જે એપ્રિલ 2021 કરતા 5.1 ટકા વધુ છે.

   
 
   
(10:10 pm IST)