Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

હૈદરાબાદ સામે ચેન્નાઈએ 2 વિકેટે 202 રનનો વિશાળ સ્કોર ખડક્યો: ઋતુરાજ ગાયકવાડ 1 રન થી સદી ચુક્યો

ગાયકવાડ અને કોનવેએ 182 રનની ભાગીદારી કરી :ઋતુરાજે 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 57 બોલમાં 99 રન અને 4 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદ વડે 55 બોલમાં 85 રન ફટકાર્યા

મુંબઈ :IPL 2022 ની 46મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયસમને ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર કેપ્ટનની ભૂમિકામાં જોવા મળ્યો છે અને તેની ટીમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ધોની કેપ્ટનશીપનો આનંદ અને અંદાજ અલગ જ હોય એમ ચેન્નાઈની ઓપનરોએ ધમાલ મચાવતી બેટીંગ કરીને જબરદસ્ત રમત રમી હતી. ઋતુરાજ ગાયકવાડે  ચોગ્ગા અને છગ્ગા વડે શાનદાર અંદાજ દર્શાવ્યો હતો અને ચેન્નાઈને મોટા સ્કોર માટેનો પાયો નાંખ્યો હતો. જોકે તે માત્ર 1 જ રન થી શતક ચુક્યો હતો.

ધોનીની કેપ્ટનશીપની સાથે જ ચેન્નાઈની ટીમ અલગ જ રંગમાં જોવા મળી રહી છે. ટીમના ઓપનરોએ શાનદાર અંદાજમાં ટીમની શરુઆત કરી હતી. શરુઆતને જોતા જ ટીમ મોટા સ્કોરને ખડકશે તે સંકેત મળી ગયા હતા. બંનેએ શરુઆત થી જ ચોગ્ગા અને છગ્ગા મેદાનની ચારેય બાજુએ ફટકાર્યા હતા. ગાયકવાડે ઉમરાન મલિકની ઝડપી ગતીની બોલીંગ પર પણ આક્રમક પ્રહાર કર્યો હતો. તેણે સિઝનના સૌથી ઝડપી બોલ પર પણ બાઉન્ડરી ફટકારી હતી.

જોકે ગાયકવાડ 99 રન પર ટી નટરાજનનો શિકાર થયો હતો. તે ભૂવનેશ્વરના હાથમાં કેચ આઉટ થયો હતો. ગાયકવાડે 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 57 બોલમાં આ સ્કોર કર્યો હતો. ગાયકવાડ અને કોનવેએ 182 રનની વિશાળ ભાગીદારી રમત રમી હતી. બંને એ વિકેટ માટે હૈદરાબાદના બોલરોને તરસાવી દીધા હતા.

ડેવોન કોનવેએ પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, તેણે 85 રનની ઈનીંગ રમી હતી. કોનવેએ પણ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેણે 4 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદ વડે 55 બોલમાં આ રન નોંધાવ્યા હતા. તે અંત સુધી ક્રિઝ પર અણનમ રહ્યો હતો. ધોનીએ સિઝનમાં કેપ્ટનશીપ સંભાળી છે અને તે ત્રીજા ક્રમે બેટીંગ કરવા માટે ઉતર્યો હતો. તેણે 7 બોલમાં 8 રન એક બાઉન્ડરી વડે નોંધાવ્યા હતા. તેને પણ નટરાજને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને ઉમરાનના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. રવિન્દ્ર જાડેજા 1 બોલમાં 1 રન કરીને અણનમ રહ્યો હતો. આમ બંને વિકેટો નટરાજનના ખાતામાં આવી હતી.

 

   
 
   
(9:58 pm IST)