Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અક્ષર પટેલની લડાયક ઈનીંગ એળે ગઈ : દિલ્હી સામે લખનૌનો 6 રને થયો વિજય

અક્ષર પટેલ અને રોવમેન પોવેલે જબરદસ્ત લડત આપી તોફાની અંદાજ અપનાવ્યો હતો. બોલ અને રમત વચ્ચેનુ અંતર બંનેએ ઘટાડી દીધુ હતુ

મુંબઈ ; IPL 2022 ની 45મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ  વચ્ચે રમાઈ હતી. દિલ્હી એ અંત સુધી લડાયક રમત દાખવી હતી. અક્ષર પટેલે  પણ તોફાની ઈનીંગ વડે પ્રયાસ કર્યો હતો પરંતુ અંતમાં 6 રને લખનૌનો રોમાંચક વિજય થયો હતો. લખનૌએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. કેપ્ટન કેએલ રાહુલની અડધી સદીની શાનદાર રમત વડે લખનૌએ પ્રથમ બેટીંગ કરતા 195 રનનો સ્કોર માત્ર 3 વિકેટ ગુમાવીને ખડક્યો હતો. જવાબમાં દિલ્હીએ ધીમી શરુઆત અને ઝડપથી બંને ઓપનરોને ગુમાવીને રનચેઝ કરવાની શરુઆત કરી હતી.

દિલ્હીએ શરુઆતની 3 ઓવરમાં જ તેના બંને ઓપનરોને ગુમાવી દીધા હતા. રન ચેઝ કરવાની શરુઆત કરતા જ 13 રનના સ્કોર પર બંને બેટ્સમેનો પેવેલિયન પરત ફરી ગયા હતા. પૃથ્વી શો ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને તે માત્ર 5 રન નોંધાવીને દુષ્મંતા ચામિરાની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ડેવિડ વોર્નર 3 રન નોંધાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો.

બાદમાં મિશેલ માર્શ અને કેપ્ટન ઋષભ પંતે ટીમને સંભાળી લેવા પ્રયાસ કર્યો હતો. બંને એ મક્કમતા પૂર્વક પોતાની રમત આગળ વધારી હતી અને સાથે ટીમનો સ્કોર પણ આગળ વધાર્યો હતો. જોકે માર્શ 8મી ઓવરની શરુઆતે કે ગૌતમનો શિકાર થયો હતો. તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદ થી 37 રન જોડ્યા હતા. ત્યાર બાદ લલિત યાદવ કેપ્ટન પંતને સાથ આપવા માટે મેદાને આવ્યો હતો. તે માત્ર 3 રન જોડી શક્યો હતો. રવિ બિશ્નોઈએ તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. જ્યાર ઋષભ પંત પણ પાંચમી વિકેટના રુપમાં 44 રનનુ યોગદાન આપીને આઉટ થયો હતો. તેણે 30 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા વડે આ રન નોંધાવ્યા હતા.

અંતમાં અક્ષર પટેલ અને રોવમેન પોવેલે જબરદસ્ત લડત આપી હતી. બંનેએ તોફાની અંદાજ અપનાવ્યો હતો. બોલ અને રમત વચ્ચેનુ અંતર બંનેએ ઘટાડી દીધુ હતુ. અક્ષરે અણનમ 42 રન 24 બોલમાં નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા પોવેલે 21 બોલમાં 35 રન 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતાતકે મોહસીનના બોલ પર કેચ આઉટ થયો હતો. શાર્દૂલ ઠાકુરે 1 રન નોંધાવ્યો હતો. જ્યારે કુલદીપ યાદવે 8 બોલમાં 16 રન 1 છગ્ગો અને 1 ચોગ્ગા વડે નોંધાવ્યા હતા.

   
 
   
(9:19 pm IST)