Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૧ની યાદીમાં મુકેશ અંબાણી ૮મા ક્રમે

કોરોનામાં આર્થિક સંકટ છતાં ધનકુબેરોની સંપત્તી વધી : દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિની સંપત્તી ગયા વર્ષે ૨૪ ટકા વધી, સંપત્તી ૮૩ બિલિયન ડોલર આંકવામાં આવી

નવી દિલ્હી, તા. ૨ : કોરોના મહામારીને કારણે આર્થિક સંકટની સ્થિતિ પેદા થવા છતાં ગયા વર્ષે વૈશ્વિક ધનકુબેરોની કુલ સંપત્તિમાં વધારો જોવા મળ્યો. હાલમાં જ વૈશ્વિક ધનાઢ્ય લોકો અંગે હુરન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૧ સામે આવ્યો છે. જેમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આઠમાં સ્થાને છે. આ વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, મુકેશ અંબાણીની સંપત્તિ ગયા વર્ષે ૨૪ ટકા વધી. રિપોર્ટ પ્રમાણે, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૮૩ બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ યાદીમાં અમેરિકાના બિઝનેસમેન એલન મસ્કને પ્રથમ સ્થાન મળ્યું છે. તેમની કુલ સંપત્તિ ૧૯૭ બિયિન ડોલર છે. આ રિપોર્ટ પ્રમાણે, ૪૯ વર્ષીય મસ્કની સંપત્તિમાં છેલ્લા વર્ષમાં ૩૨૮ ટકાનો વધારો નોંધાયો છે. આમાં એમેઝોનની કુલ પ્રોપર્ટીમાં ૩૫ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બેજોસની કુલ સંપત્તિ ૧૮૯ બિલિયન ડોલર આંકવામાં આવી છે અને તેઓ આ યાદીમાં બીજા સ્થાને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેજોસની પૂર્વ પત્ની મેકકેન્ઝીની સંપત્તિમાં છેલ્લા વર્ષમાં ૧૭ બિલિયન ડોલરની વૃદ્ધિ જોવા મળી. તે કુલ ૬૧ બિલિયન ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ૨૫માં સ્થાને છે.

વૈશ્વિક ધનાઢ્યની યાદીમાં ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટ ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિમાં પણ સાત ટકાનો વધારો નોંધાયો છે. તેમની કુલ સંપત્તિ ૧૧૪ બિલિયન ડોલર છે. જ્યારે બિલ ગેટ્સની સંપત્તિ ચાર ટકાના વધારા સાથે ૧૧૦ બિલિયન ડોલર છે. આ યાદીમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ૧૦૧ બિલિયન ડોલર સાથે પાંચમાં સ્થાને છે. જે બાદ વોરન બફેટ કુલ ૯૧ બિલિયન ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને છે.

(8:01 pm IST)