Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ત્રણેય મોરચે 'કમળ' ખિલ્યુઃ કોંગ્રેસનો ધબડકો ચાલુઃ 'આપ'નો ઉદય

મહાનગરપાલિકાઓ બાદ હવે જિલ્લા-તાલુકા-પાલિકાઓમાં પણ ભાજપનું બુલડોઝર ફરી વળ્યું: શહેરો બાદ ગ્રામિણ વિસ્તારોમાં પણ ભાજપનો દબદબોઃ હવે બન્ને હાથમાં લાડુ : અનેક તાલુકા-જિલ્લા અને પાલિકાઓ ભાજપે કોંગ્રેસ પાસેથી ખૂંચવી લીધીઃ કમલમ્માં ભાજપે વિજ્યોત્સવ મનાવ્યોઃ ગ્રામિણ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ સૌને ચોંકાવ્યાઃ ૪૬ બેઠકો મેળવીઃ શહેરો બાદ હવે ગ્રામ્યમાં પણ કોંગ્રેસને નુકશાનઃ પડયા પર પાટુ : અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર, બાબરા, ખંભાળીયા, કેશોદ, પોરબંદર, ગોંડલ, વેરાવળ, ઉના, સુત્રાપાડા, તાલાળા, મોરબી, વાંકાનેરમાં ભાજપનો વિજયઃ કચ્છની મુંદ્રા બારોઈ, ભૂજ, અંજાર, ગાંધીધામ અને માંડવીમાં ભાજપનો જયજયકાર : વાંકાનેર પાલિકામાં જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં ભાજપે ઈતિહાસ રચ્યોઃ તમામ ૨૪ બેઠક કબ્જેઃ મોરબી પાલિકામાં બ્રિજેશ મેરજાની આગેવાનીમાં ભાજપનો જયજયકારઃ કોંગ્રેસનું ખાતુ ન ખુલ્યું: તમામ ૫૨ બેઠક ઉપર ભાજપની જીતઃ ગોંડલ પાલિકામાં ૪૪ બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટોઃ તાલાલાગીર કોંગ્રેસમુકત

અમદાવાદ તા.ર : તાજેતરમાં રાજકોટ અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં યોજાયેલી મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભાજપે હવે ગ્રામીણ ક્ષેત્રે પણ સપાટો બોલાવી દીધો છે. તાજેતરમાં રાજયની ર૩૧ તાલુકા, ૩૧ જીલ્લા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની યોજાયેલી ચુંટણીની આજે સવારે શરૂ થયેલી મતગણતરીના બપોર સુધીના મળેલા ટ્રેન્ડ - વિજય અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપએ કેસરીયા કર્યા છે અને ભાજપનો ઘોડો આગળ દોડી રહયો છે. મહાનગરપાલિકાની ચુંટણી બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોંગ્રેસને પછડાટ મળી હોવાનું જણાય રહયું છે.ભાજપે 

મહાનગરપાલિકાઓ ઉપર કબ્જો જમાવ્યા બાદ અનેક તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓમાં પણ તે કબજો જમાવી રહયુ છે તે જોતા હવે ભાજપના બંન્ને હાથમાં લાડુ આવી ગયો હોય તેવું જણાઇ રહયુ છે.

ભાજપે ભરૂચ, વડોદરા, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, રાજકોટ, ડાંગ, જામનગર, નવસારી, દાહોદ સહિતની જિલ્લા પંચાયતો કબ્જે કરી છે તો મોરબી, તાલાલા, ઉના, સુત્રાપાડા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, આમોદ વગેરેમાં સત્તા મેળવી છે. પરિણામોમાં સૌથી વધુ ચોંકાવ્યા હોય તો આમ આદમી પાર્ટીએ. આ પક્ષે ગ્રામિણ વિસ્તારમાં પણ ઉજળો દેખાવ કર્યો છે. આ લખાય છે ત્યારે ૪૬ બેઠક પર આપનો વિજય થયો છે. જ્યારે શહેરો બાદ ગામડાઓમાં પણ કોંગ્રેસને ભારે નુકશાન થયુ છે. ભાજપે આજે કમલમ ખાતે વિજયોત્સવ મનાવ્યો છે. ૨૦૧૫માં ભાજપ ત્રણેય મોરચે પાછળ રહી ગયુ હતુ જે આ વખતે તેણે સફળતા મેળવી છે. સર્વત્ર ભગવો લહેરાવા જઈ રહ્યો છે. કોંગ્રેસના પંજા પર ભાજપનુ બુલડોઝર ફરી વળ્યુ છે. અનેક એવા કોંગ્રેસના ગઢ હતા જે ભાજપે ધ્વસ્ત કરી નાખ્યા છે. 

આ લખાય છે ત્યારે તાલુકા પંચાયતની કુલ ૪૭૭૪ બેઠકમાંથી ૨૬૭૨ના ટ્રેન્ડ-વિજય મળ્યા છે. તેમાંથી ભાજપ ૨૦૭૮, કોંગ્રેસ ૬૧૮ અને અન્ય ૭૦ ઉપર આગળ છે અથવા તો વિજય મળ્યો છે જયારે નગરપાલિકાઓની કુલ ર૭ર૦ બેઠકોમાંથી  ૨૨૦૨ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે.જેમાં ભાજપ ૧૬૫૩, કોંગ્રેસ ૪૭૮ અને અન્ય ૭૧ બેઠક ઉપર આગળ છે અથવા તો વિજય મળેલ છે. જયારે જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતોની ૯૮૦ બેઠકોમાંથી ૬૦૨ બેઠકોના ટ્રેન્ડ-વિજય મળ્યા છે. જેમાં ભાજપ ૫૦૧, કોંગ્રેસ ૯૧, અન્ય ૧૦ બેઠક ઉપર આગળ છે.

અનેક તાલુકા જિલ્લા નગરપાલિકાઓમાં પરિવર્તનનો પવન ફુંકાયો છે. અમુક શહેરો અને ગામોમાં તો શરૂઆતમાં જ ભાજપની આખે આખી પેનલ વિજેતા બની હતી. જેમ કે આમોદ, તાલાલા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી, બારેજા, ગોંડલ, ગણદેવી વગેરેનો સમાવેશ થાય છે.

 નગરપાલિકાઓમાં પ૬.૮૯ ટકા, જિલ્લા પંચાયતોમાં ૬૩.૪પ ટકા અને તાલુકા પંચાયતોમાં ૬૪.૩ર ટકા મતદાન નોંધાયુ હતુ. કુલ ર૩૭ બેઠકો બિનહરીફ થઇ હતી. જેમાં નગરપાલિકાની ૯પ, જિ.પં.ની રપ અને તાલુકા પંચાયતની ૧૧૭ બેઠકોનો સમાવેશ થતો હતો. જેમાં ભાજપની તરફેણમાં ર૧૯ બેઠકો મળી હતી.

આ ચુંટણીઓમાં કુલ ૩.પ કરોડ મતદારોએ મતદાન કર્યુ હતુ અને રરર૦૦ જેટલા મતદારોએ આ ચુંટણી જંગમાં ઉભા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓના ગઢમાં ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે. મ્યુનિસપિલ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે આજે તાલુકા-જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓમાં ભાજપની વિજયકૂચ થઈ રહી છે.

ગુજરાતમાં જેમ જેમ પરિણામો સામે આવી રહ્યા છે તેમ તેમ નગરપાલિકાઓમાં ભાજપની ફતેહ સામે આવી રહી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના ગઢ કડીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કડીમાં બધી જ બેઠકો પર કેસરીયો લહેરાયો છે.

કડી નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી

નોંધનીય છે કે કડીમાં કુલ ૯ વોર્ડ છે અને તેમાં ૩૬ બેઠકો આવેલ છે. ૩૬માંથી ૨૬ બેઠકો બિનહરીફ ભાજપના ફાળે ગઈ હતી જયારે બાકીની ૧૦ બેઠકો પર પણ કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. આખી નગરપાલિકામાં કોંગ્રેસને ૧ બેઠક મળી છે. કડી નગરપાલિકામાં ૨૦૧૫ માં ભાજપે ૨૮ બેઠકો પર વિજય મેળવી હતી.

કોંગ્રેસનો ઉમેદવાર ૧ મતથી હાર્યો

ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતથી વિજય થયો છે. સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારનો એક જ વોટથી પરાજય થતાં સમર્થકો નિરાશ થયાં હતા. જણાવી દઇએ કે, ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ૨૮ બેઠક પર ૬૩.૬૪ ટકા મતદાન નોંધાયું છે.

કુંવરજી બાવળીયાના મતવિસ્તારમાં કોંગ્રેસે તાલુકા પંચાયત આંચકી

કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને મંત્રી બનેલા કુંવરજી બાવળીયાના વતનમાં કોંગ્રેસે પોતાનો પંજો મારી દીધો છે. વિછીંયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમત સાથે જીત થઈ છે. તો આ તરફ કુંવરજી બાવળીયા સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં અન્ય એક મંત્રી બનેલા માણાવદરના નેતા જવાહર ચાવડાના મતવિસ્તારમાં કોંગ્રેસે પંજો લાગ્યો છે.

હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. નગરપાલિકામાં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર જીતી શકયો નથી. અત્યાર સુધીમાં ૧૨ ભાજપ અને ૧૦ અપક્ષ ઉમેદવારની જીત નોંધાઈ છે. તાલુકા પંચાયતમાં ૧૦ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. વિરમગામ તાલુકા પંચાયતમાં પણ હજુ સુધી કોંગ્રેસે ખાતુ નથી ખોલ્યું. વિરમગામમાં આવતી ૩ જિલ્લા પંચાયતની બેઠક ઉપર પણ ભાજપનો વિજય થયો છે.

કઈ કઈ નગરપાલિકામાં ભાજપનો વિજય

ઊના, કડી, બારડોલી, મોરબી, ખેડા, નડિયાદ, વાંકાનેર, પાલનપુર, ભાભર, કડોદરા, ઉના, ડીસા, કલોલ મળીને કુલ ૨૮ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.

ગેનીબેનનો ગઢ ભાભરમાં ભાજપનો વિજય થયો. ભાજપે ભાભર નગરપાલિકામાં સત્ત્।ા મેળવી. પાલનપુર નગરપાલિકામાં પણ ભાજને સત્ત્।ા મળી. આ સાથે ૧૩ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો.

કલોલ, ખેડા અને નડિયાદ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. આ સાથે ૧૦ નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવી દીધો છે. ઊના નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.

મોરબીમાં કોંગ્રેસનું ધોવાણ, નગરપાલિકામાં અત્યાર સુધી ૨૭ બેઠકો ભાજપને મળી છે. બ્રિજેશ મેરજા ભાજપમાં જતા કોંગ્રેસનો સફાયો થયો. આમ અત્યાર સુધી ૮૧ માંથી ૬ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂકયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જ કોંગ્રેસના નેતા બ્રિજેશ મેરજા પક્ષપલટો કરીને ભાજપમાં ગયા હતા. ગોંડલ નગરપાલિકામાં પણ ભાજપને બહુમતી મળી. આ સાથે ૬ નગરપાલિકામાં ભાજપની વિજયપતાકા લહેરાઈ છે.

સુરતની કડોદરા નગરપાલિકા પણ ભાજપના ફાળે આવી છે. આ સાથે જ ઉના, કડી, બારડોલી બાદ હવે કડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે

અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર ૨ માં ભાજપની પેનલ વિજેતા બની. કુલ ૪૪ બેઠકો પૈકી ભાજપને ૮ બેઠક મળી છે. જોકે, અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસને હજુ સુધી એકપણ બેઠક મળી નથી. પાટણ સિદ્ઘપુર નગર પાલિકાના વોર્ડ નંબર ૨ માં ૩ અપક્ષ અને ૧ ભાજપી ઉમેદવાર વિજયી થયા. આમોદ નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૨ માં કોંગ્રેસના સૂપડા સાફ

નગરપાલિકા વોર્ડ નં ૧ બોરસદમાં ભાજપની પેનલ વિજેતા. અંકલેશ્વર નગર પાલિકામાં ૧ નંબર માં ભાજપની પેનલની જીત. નિલેશ પટેલ, મનહરભાઈ મોદી (અતુલ મોદી), કિંજલબેન ચૌહાણ અને કલ્પનાબેન મેરાઈનો વિજય થયો.

ઉના નગરપાલિકાની ભાજપની ૨૦ સીટો બિનહરીફ બાદ વોર્ડ નં ૨ ની ૩ સીટો પર ભાજપનો વિજય થયો. એક બેઠક પર અપક્ષનો વિજય થયો. ૩૬ માંથી ૨૩ માં પર ભાજપનો વિજય થયો.

કચ્છમાં અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર ૧ માં ભગવો લહેરાયો. ૫૦૦ થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની.

નવસારીના વિજલપોર નગર પાલિકામાં વોર્ડ નં. ૧ માં ભાજપની પેનલ વિજેતા થયો. વોર્ડ નં. ૧ માં કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ, શોભાદેવી રમેશભાઈ પ્રસાદ, જયેશભાઈ છોટુભાઈ નાયકા અને હિતેશભાઈ ધીરૂભાઈ ગેવરીયાનો વિજય થયો.

(2:58 pm IST)