Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

હાફિઝ સઇદ પર સકંજો કસાયોઃ પાકિસ્તાને ફંડિગ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાની ચેતવણીથી ડર્યું પાકિસ્તાનઃ હાફિઝ સઇદના સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

ઇસ્લામાબાદ તા. ૨ : નવા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને અપાયેલી વોર્નિંગને પાકિસ્તાન પણ હળવામાં લેવા નથી માંગતું તેવું લાગી રહ્યું છે. હવે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદના સંગઠન માટે પૈસા એકઠા કરવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે પાકિસ્તાનના સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશને હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવાને પણ લોકો પાસેથી ફંડ એકઠું કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જમાત-ઉદ-દાવા પ્રતિબંધીત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ સંગઠન છે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં જ હાફિઝ સઈદને મુકત કર્યા બાદ ભારત અને અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે.

પાકિસ્તાની અખબાર 'ડોન'ની રિપોર્ટ મુજબ પાકિસ્તાન તરફથી જમાત સહિત અન્ય એવા ઘણા સંગઠનો પર ફંડ એકઠું કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના પર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી બેન લગાવવામાં આવ્યો છે.

કમિશન તરફથી જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન ઓફ પાકિસ્તાન દરેક કંપનીઓ પર પ્રતિબંધ લગાવે છે કે તે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી પ્રતિબંધિત જાહેર કરાયેલા સંગઠનોને ડોનેશન ના આપે.

જમાત-ઉદ-દાવા ઉપરાંત આ લિસ્ટમાં લશ્કર-એ-તૈયબાનું નામ પણ શામેલ છે. આટલું જ નહીં, હાફિઝના અન્ય એક સંગઠન ફલાહ-એ-ઈન્સાનિયત પર પણ ફંડ એકઠું કરવાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાસબાન-એ-અહદે હદીસ અને પાસવાન-એ-કાશ્મીર જેવા સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સિકયોરિટીઝ એકસચેન્જ તરફથી જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ કહેવામાં આવ્યું છે કે જો આ આદેશનું પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત કંપનીઓને આર્થિક દંડ પણ કરવામાં આવી શકે છે.

(9:41 am IST)